ફિઝીયોથેરાપી સાજા થવાની પ્રક્રિયા ઝડપી બનાવી સ્વાસ્થ્ય સુધારે છે

- અનુષા સિંહ Wednesday 19th June 2024 09:28 EDT
 
 

ફિઝીયોથેરાપી હાડકાં, સાંધા, નાજુક ટિસ્યુઝને અસર કરતી વિવિધ ઈજાઓ, બીમારીઓ અને વિકલાંગતા-અક્ષમતાઓ તેમજ સ્ટ્રોક અને મલ્ટિપલ સ્ક્લેરોસિસ જેવી ન્યૂરોલોજિકલ કંડિશન્સમાંથી સાજા થવાની પ્રક્રિયાને ઝડપી બનાવી શકે છે. આમ છતાં, ફિઝીયોથેરાપી ટેક્નિક્સ તમારા હલનચલન અને કામગીરીને પુનઃસ્થાપિત કરીને તમારા સમગ્રતયા આરોગ્ય અને સ્વાસ્થ્યને વધારી તમે વધુ સક્રિય અને સ્વતંત્ર બની રહો તેમાં મદદ કરી શકે છે.
ડો. આલાપ શાહને તેમના પોસ્ટગ્રેજ્યુએટ અભ્યાસ દરમિયાન ઓર્થોપીડિક્સ અને ફિઝીયોથેરાપીમાં સ્પેશિલાઈઝેશન કરવાની પ્રેરણા મળી હતી. આરોગ્યસંભાળ માટે જોશ અને લોકોને તંદુરસ્ત જીવન જીવવામાં મદદ મળી શકે તેવી ઈચ્છાથી પ્રેરાઈને તેમણે ફિઝીયોથેરાપીમાં સ્નાતક બનવા સાથે પોતાની યાત્રાનો આરંભ કર્યો હતો. આ પછી, તેમણે માસ્ટર્સ તેમજ સ્પાઈન ક્ષેત્રમાં Ph.D.ની ડીગ્રી હાંસલ કરી હતી. તેમની નિષ્ઠા અને સમર્પણ થકી તેઓ મિશન હેલ્થમાં પોતાના કાર્ય દ્વારા અસંખ્ય વ્યક્તિઓને સહાય કરી શક્યા છે.
ડો. આલાપ શાહે તેમણે સ્થાપેલા અને સંચાલિત ઓર્થોપીડિક સેન્ટરની મોકળાં મને ચર્ચા કરવા સાથે ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ સાથેની મુલાકાતમાં દૂરદર્શી કલ્પના વ્યક્ત કરી હતી. ડો. શાહે કહ્યું હતું કે, ‘ મેં ફિઝીયોથેરાપી, ફિટનેસ અને પુનર્વસન-રિહેબિલિટેશન માટે સુગઠિત અને અત્યાધુનિક સારસંભાળ પૂરી પાડે તેવી વિશિષ્ટ ફેસિલિટીની કલ્પના કરી હતી. આ વિઝન મિશન હેલ્થના સર્જન તરફ દોરી ગયું છે.’
તેમનો એવો મત છે કે સાંધાઓની કંડિશન્સ-સ્થિતિના પૂનઃમૂલ્યાંકન, ઘરમાં પ્રેક્ટિસ માટે કસરતોની પેટર્ન્સમાં સુધારાવધારા અને ઈજાઓ થતી અટકાવવા દર ત્રણ મહિને નિયમિત ફિઝીયોથેરાપી વિઝિટિસ આવશ્યક છે. તેમણે કહ્યું હતું કે, ‘આવી મુલાકાતો પ્રગતિ પર સતત દેખરેખ રાખવા, કોઈ ફેરફારો કે પડકારોનો સામનો કરવા કસરતોના એડજસ્ટમેન્ટ્સ તેમજ કોઈ પણ સમસ્યાઓ વકરે તે પહેલાં જ તેમનો સક્રિયપણે ઉપાય કરવાની તક પૂરી પાડે છે.’
આ સલાહ વાસ્તવિક છે કારણકે આજકાલ વ્યક્તિગત આરોગ્ય અને જિનેટિક પરિબળોના પર આધારિત હલનચલનની સરેરાશ વય અપેક્ષિત 70 વર્ષની જગ્યાએ ઘટીને 50 વર્ષની થઈ ગઈ છે. પરિણામે, મસ્ક્યુલોસ્કેલેટલ ડિસઓર્ડર્સ, ઈજાઓનું તાકીદે નિવારણ કરવામાં આવે તેવી આવશ્યકતા પર ભાર મૂકાય છે. ડો. શાહ ભારપૂર્વક કહે છે કે, ‘ ફીઝિકલ થેરાપી કસરતો દ્વારા ચિંતાતુરતા અને હતાશાને ઘટાડી, જ્ઞાનેન્દ્રિયોની કામગીરી ઉત્તેજન આપી, સામાજિક આદાનપ્રદાનને સુધારી, સારી નિદ્રાને ઉત્તેજન આપી તેમજ તાકાત અને વિશ્વાસના નિર્માણથી સ્વતંત્રતાને વધારી સ્વાસ્થ્યને પણ વધારે છે. તે સ્નાયુઓને મજબૂત બનાવી, સંતુલનને સુધારી, સ્થિતિસ્થાપકતાને વધારી, પીડામાં રાહત તેમજ સલામતિ અને પ્રગતિની ચોકસાઈ કરવા કસ્ટમાઈઝ્ડ એક્સરસાઈઝ પ્રોગ્રામ્સ પૂરા પાડી ગતિશીલતાને જાળવે છે.
ડો. શાહ ભારપૂર્વક એમ પણ કહે છે કે, શરીરના અયોગ્ય પોશ્ચર (બેસવાં-ઊભાં રહેવાની સ્થિતિ) અને બેઠાડું જીવનશૈલી ઘણી ઓર્થોપીડિક સમસ્યાઓ ઉભી કરે છે. પોશ્ચર બાબતે તેમણે તેની વિપરીત અસરોની વિસ્તૃત છણાવટ કરી તેનાથી પીઠ અને ગરદનના દુઃખાવા, સાંધાની સમસ્યાઓ, પાચનની મુશ્કેલીઓ, માથાનાં દુઃખાવા, તેમજ શારીરિક અને માનસિક આરોગ્યને નકારાત્મક અસર સર્જાય છે જેના પરિણામે, આત્મવિશ્વાસ ઘટે છે અને શરીરનો દેખાવ પણ કઢંગો જણાય છે.
તેમણે ઉમેર્યું હતું કે,‘બેઠાડું જીવનશૈલી સ્થૂળતા, હૃદયરોગો, ડાયાબિટીસ, નબળું પોશ્ચર અને માનસિક આરોગ્યની સમસ્યાઓ સહિત લાંબા ગાળાના આરોગ્યલક્ષી જોખમો લાવે છે. શારીરિક પ્રવૃત્તિને રોજિંદા જીવનમાં સામેલ કરવા માટે બેઠાડું કામકાજની લાઈફસ્ટાઈલ સાથેની વ્યક્તિઓએ દર 30 મિનિટે કામકાજમાં થોડો વિરામ લઈ ઉભા થવું અને હાથપગ લંબાવવા, સ્નાયુઓને ખેંચવા, લિફ્ટ-એલિવેટર્સના બદલે સીડીનો ઉપયોગ કરવો, ચાલતા ચાલતા મીટિંગો કરવી, ખુરશી પર બેઠા રહીને થાય તેવી સાદી કસરતો કરવી, શક્ય હોય ત્યાં સુધી કામ પર જવા ચાલવા કે સાઈકલિંગ જેવી અવરજવરની સક્રિય પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ.’ તેમણે બાળકોમાં નાનપણથી જ બેસવાની યોગ્ય આદતો પાડવી, આંખની બરાબર સામે જ સ્ક્રીન આવે તેમજ કીબોર્ડ્સ/માઉસ હાથવગાં રહે તે રીતે સુવિધાપૂર્ણ કાર્યસ્થળ, પ્લાન્ક્સ અને બ્રીજીસ જેવી શક્તિ-મજબૂતીવર્ધક કસરતો સામેલ કરવી અને પોશ્ચર બાબતે સભાનતા રાખી જરૂર પડ્યે સુધારા કરવા વિશે મૂળભૂત માહિતી પણ આપી હતી.
ડો. શાહે લાંબા ગાળાથી રહેતા દુઃખાવા વિશે સંબંધે આરામ જ સૌથી શ્રેષ્ઠ સારવાર અને પીડાશામક દવા લેવી તે જ શ્રેષ્ઠ ઉપાય છેની સામાન્ય ગેરમાન્યતાનું પણ નિવારણ કર્યું હતું. તેમણે મેડિકેશન અને સર્જરી એકમાત્ર વિકલ્પ નહિ હોવા સાથે કહ્યું હતું કે, ‘ફિઝીયોથેરાપીએ નોંધપાત્રપણે પ્રગતિ સાધી છે અને માત્ર મેડિકેશન જ નહિ, સર્જિકલ વિકલ્પો સામે પણ વૈકલ્પિક પસંદગીની તક પૂરી પાડી છે. મિશન હેલ્થ ખાતે અમે પીઠ, ગરદન, નિતંબ અને ઘૂંટણની સમસ્યાઓ જેવી સ્થિતિઓ માટે વાઢકાપની પ્રોસીજર્સની જરૂરિયાત વિના જ નહિ દેખાતા બાયોમિકેનિકલ ઈસ્યુઝના ઉપાય કરવા સાથે પીડાથી લાંબા ગાળાની રાહત આપતા વ્યક્તિગત રિહેબિલિટેશન પ્રોગ્રામ્સ મારફત હજારો સર્જરીઓને અટકાવી છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter