ફિટનેસ અને વર્કઆઉટ સાથે જોડાયેલી 5 ગેરમાન્યતા

Wednesday 18th September 2024 05:58 EDT
 
 

તંદુરસ્ત જીવનશૈલી માટે લોકો ઘણા પ્રકારના વર્કઆઉટ ટ્રેન્ડ અપનાવે છે. લોકો ફિટ રહેવા માટે વિવિધ ધોરણો અને પ્રિસ્ક્રિપ્શનોનું પણ પાલન કરે છે. જેમ કે, દિવસમાં 10 હજાર પગલાં ચાલવા, કસરત શરૂ કરતાં પહેલા લાંબા સમય સુધી બોડી સ્ટ્રેચિંગ કરવું, ઈજાના જોખમને ટાળવા માટે તીવ્ર વર્કઆઉટ પછી બરફ ઘસવો, લાંબા સમય સુધી દોડવાથી તેમના ઘૂંટણને નુકસાન થવાની માન્યતા વગેરે. સામાન્ય રીતે લોકો આ ફિટનેસ ફંડાને સાચા માને છે, પરંતુ આરોગ્ય નિષ્ણાતોનો અભિપ્રાય અલગ છે. ન્યૂ યોર્કની લેહમેન કોલેજમાં વ્યાયામ વિજ્ઞાનના પ્રોફેસર બ્રાડ શોનફેલ્ડ કહે છે કે, ફિટનેસની દુનિયા ખોટી માન્યતાઓથી ભરેલી છે. સોશિયલ મીડિયા ફિટનેસ પ્રભાવકો અને અપરિપક્વ જિમ ટ્રેનર્સને આભારી છે જે લોકોમાં દંતકથાઓ બનાવી રહ્યા છે. ચાલો, આજે આપણે જાણીએ ફિટનેસ અને વર્કઆઉટ સાથે સંબંધિત ગેરમાન્યતા વિશે...

પાંચ મુખ્ય માન્યતાઓ, કે જેને લોકો સાચી માને છે, પરંતુ હકીકત અલગ જ છે...

1) વર્કઆઉટ કરતાં પહેલાં લાંબુ સ્ટ્રેચિંગ જરૂરી
અમેરિકાની નેશનલ લાઈબ્રેરી ઓફ મેડિસિનમાં પ્રકાશિત એક સંશોધન મુજબ, કસરત પહેલા સ્ટ્રેચિંગ ઈજાને રોકવામાં બિનઅસરકારક સાબિત થયું છે. આનું કારણ એ છે કે, સ્નાયુને 90 સેકન્ડથી વધુ સમય સુધી ખેંચવાથી તેની શક્તિ અસ્થાયી રૂપે ઓછી થઈ જાય છે. કેલિફોર્નિયામાં સેન્ટર ફોર સ્પોર્ટ્સ મેડિસિનનાં ડો. જોશ ગોલ્ડમેન કહે છે, ‘સ્ટ્રેચિંગ કરવાથી તમે જે સ્નાયુઓની કસરત કરવા જઈ રહ્યા છો તે નબળા પડી જાય છે.’
2) વધુ દોડવાથી ઘૂંટણ ખરાબ થાય છે
એક માન્યતા એવી છે કે, દોડવાથી ઓસ્ટિયોઆર્થરાઈટિસ થાય છે. એટલે કે સંધિવા. જોકે, રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, દોડવાથી તેનું જોખમ વધતું નથી. ડો. ગોલ્ડમેન કહે છે કે, ‘વર્ષો સુધી વિશેષજ્ઞો માનતા હતા કે, આપણાં ઘૂંટણ ટાયર જેવા છે. તમે કાર વધુ ચલાવો છો તો ટાયર ખરાબ થઈ જશે, પરંતુ આ ખોટું છે. હકીકતમાં આપણું શરીર ગતિશીલ હોય છે અને સાંધાને રિવાઇવ કરી શકે છે, ખાસ કરીને તે જ્યારે નિયમિત રીતે સક્રિય હોય છે.’

૩) તંદુરસ્ત રહેવા દરરોજ 10 હજાર પગલાં ચાલવું જરૂરી
આ માન્યતા આજકાલની નહીં, છેક 1960થી ચાલી આવે છે. એક જાપાની ઘડિયાળ નિર્માતાએ મોટાપાયે એક પેડોમીટરનું ઉત્પાદન કર્યું હતું. જેનું નામ ‘10 થાઉઝન્ડ સ્ટેપ મીટર’ હતું. ત્યાર પછી આ માન્યતા ઝડપથી ફેલાઈ. જોકે, અમેરિકન કાઉન્સિલ ઓન એક્સરસાઈઝના ચેરમેન સેડ્રિક બ્રાયન્ટ એક વર્ષ પહેલાં જ આ માન્યતાને ખોટી સાબિત કરી ચૂક્યા છે. તેઓ કહે છે કે, દિવસમાં 4 હજાર પગલાં ચાલવું પણ પૂરતું છે અથવા વિવિધ પ્રકારનું વોકિંગ અપનાવવું જોઇએ.
4) કસરત પછી બરફ લગાવવાથી રિકવરી સારી થાય
અઘરી કસરત કર્યા પછી બરફના ટબમાં ઉતરવાથી ઈજા સામે સુરક્ષા થાય છે, કેમ કે તે સોજો ઘટાડવામાં મદદ કરે છે. ડો. ગોલ્ડમેન કહે છે, ‘જો તમે પ્રત્યેક કસરત પછી બરફનો શેક લો છો, તો એનો મતલબ એ થયો કે તમે તમારા શરીરની રિપેરિંગ પ્રક્રિયાને ધીમી કે બંધ કરી દો છો. હકીકતમાં શરીર જ્યારે જાતે જ કોઈ સોજાનું રિપેરિંગ કરે છે તો તેનાથી શરીરની ક્ષમતા વધે છે. બરફનો શેક લેવો જ હોય તો કસરતના એક દિવસ પહેલા લો.’
5) મસલ્સ બનાવવા ભારે વજન ઊંચકવું જરૂરી
જે લોકો નિયમિત રીતે જિમમાં જાય છે તેમનામાં માન્યતા હોય છે કે, મસલ્સ માટે ભારે વજન ઊંચકવું જરૂરી છે. જોકે, માંસપેશીની વૃદ્ધિનો અભ્યાસ કરનારા ડો. બ્રેડ સ્કોનફેલ્ડ કહે છે કે, 'અનેક રિસર્ચ કહે છે કે, તમે 30 કિલો વજન ઊંચકો કે 5થી 12 કિલો હલકા વજન ઊંચકો, માંસપેશી અને તાકાતના નિર્માણમાં બંને અસરકારક છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter