લંડનઃ વિશ્વભરમાં ૨૦૧૮ માટે ફિટનેસ ટ્રેન્ડ્સની ટોપ-૧૦ યાદીમાં યોગનો પણ સમાવેશ થયો છે. અમેરિકન કોલેજ ઓફ સ્પોર્ટ્સ મેડિસીન (ACSM) દ્વારા કરાયેલા ‘Worldwide Survey of Fitness Trends for 2018’માં આ વાત બહાર આવી છે. સર્વેમાં જણાવાયું છે કે યોગની લોકપ્રિયતા સિદ્ધ કરે છે કે દર વર્ષે કસરતના આકર્ષક પ્રકાર તરીકે તેમાં નવતર પ્રયોગો બહાર આવતા રહે છે.
ACSM દ્વારા મેક્સિકો, ચિલી, કોલમ્બિયા, વેનેઝૂએલા, પોર્ટુગલ, આર્જેન્ટિના, ઈક્વેડોર, બ્રાઝિલ, સર્બિયા, જાપાન, યુએઈ, યુકે, યુએસએ, કેનેડા, ભારત, જર્મની, ઈટાલી, સ્વિટ્ઝર્લેન્ડ, ગ્રીસ, સ્પેન, ફિનલેન્ડ, કેન્યા, સાઉથ આફ્રિકા, ઈઝરાયેલ, ઈજિપ્ત, ન્યૂ ઝીલેન્ડ, ચીન અને સિંગાપોર સહિત દેશોના ૪,૦૦૦થી વધુ ફિટનેસ પ્રોફેશનલ્સનો સર્વે કરાયો હતો.
સર્વેમાં જણાવાયું છે કે પ્રાચીન પરંપરાને આધારિત યોગમાં આરોગ્ય અને હળવાશ માટે વિશિષ્ટ શારીરિક આસનોનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં પાવરયોગ, યોગાલેટ્સ, બિક્રમ, અષ્ટાંગ, વિન્યાસ, ક્રિપાલુ, અનુરારા, કુંડલિની, શિવાનંદ તથા અન્યનો સમાવેશ થાય છે. દરમિયાન, નેવાડા (યુએસએ)માં યુનિવર્સલ સોસાયટી ઓફ હિન્દુઈઝમના પ્રમુખ રાજન ઝેડે જણાવ્યું હતું કે આશરે ૨૦૦૦ BCE અગાઉ સિંધુ ખીણ સભ્યતામાં જેના મૂળ છે તેવા યોગની પ્રચંડ લોકપ્રિયતાથી હિન્દુઓ ખુશ છે.