ફિનલેન્ડની પ્રજા દુનિયામાં સૌથી ખુશ

૧૫૬ દેશોની યાદીમાં બ્રિટન ૧૫મા જ્યારે ભારત છેક ૧૪૦મા સ્થાને

Friday 29th March 2019 06:42 EDT
 
 

લંડનઃ વિશ્વના સૌથી ખુશખુશાલ ૧૫૬ દેશોની યાદીમાં ફિનલેન્ડે સતત બીજા વર્ષે પ્રથમ સ્થાન જાળવ્યું છે. તો સુદાન સૌથી છેલ્લા સ્થાને રહ્યું છે. યુએનનાં આ વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ-૨૦૧૯માં યુનાઈટેડ કિંગ્ડમે ૧૫મા ક્રમે છે. યુકે ગયા વર્ષે આ યાદીમાં ૧૯મા સ્થાને હતું. આમ તે યાદીમાં ચાર ક્રમ ઉપર ચઢ્યું છે તો ભારત સાત ક્રમ નીચે ઉતરીને ૧૪૦મા ક્રમે પહોંચ્યું છે. અગાઉ ભારત ૧૩૩મા ક્રમે હતું. આ જ યાદીમાં અમેરિકા ૧૯મા ક્રમે જોવા મળે છે.
પ્રથમ પાંચ ક્રમમાં ફિનલેન્ડ, ડેનમાર્ક, નોર્વે, આઈસલેન્ડ સ્વીડન અને નેધરલેન્ડ્સ રહ્યાં છે. બ્રિટિશરોથી વધુ ખુશ ન્યૂ ઝીલેન્ડ (૮), કેનેડા (૯), ઓસ્ટ્રીયા (૧૦), ઓસ્ટ્રેલિયા (૧૧), કોસ્ટા રિકા (૧૨), ઈઝરાયલ (૧૩), અને લક્ઝમબર્ગ (૧૪) છે.
યુએન દ્વારા જાહેર રિપોર્ટ અનુસાર ટોપ ટેન દેશોમાં સાત યુરોપના દેશ છે તો ટોપ-૨૦માં એશિયાનો કોઈ દેશ નથી. ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન યાદીમાં ૬૭મા ક્રમે છે. અન્ય એશિયાઈ દેશોમાં સિંગાપોર (૩૪), જાપાન (૫૮), રશિયા (૬૮), નેપાળ (૧૦૦), બાંગલાદેશ (૧૨૫), શ્રીલંકા (૧૩૦), અફઘાનિસ્તાન (૧૫૪)મા સ્થાને છે.
અમેરિકા ગયા વર્ષે સૌથી શ્રીમંત ભલે બન્યું પણ લોકોની ખુશાલીનું સ્તર ઘટી રહ્યું છે. આ વર્ષે ૧૯મા ક્રમે રહેલું અમેરિકા ૨૦૧૭માં ૧૪મા ક્રમે હતું. અમેરિકા અત્યાર સુધીમાં ક્યારેય ટોપ-૧૦માં આવ્યું નથી.
 રિપોર્ટ મુજબ જર્મની, રશિયા, જાપાન અને ચીન જેવા સુપરપાવર દેશોય ખુશાલીનું સ્તર સતત ઘટતું રહ્યું છે. જર્મની ૧૫થી ૧૭મા ક્રમે જ્યારે ચીન ૮૬થી ૯૩મા ક્રમે ગયું છે.
વિશ્વના ખુશખુશાલ દેશોની યાદી તૈયાર કરવાની દરખાસ્ત ભૂતાને ૨૦૧૧મા યુએન સમક્ષ મૂકી ત્યારથી દર વર્ષે ૨૦ માર્ચ વર્લ્ડ હેપ્પીનેસ ડે તરીકે ઉજવાય છે. ૨૦૧૨માં પ્રથમવાર યાદી જાહેર કરાઈ ત્યારે ભૂતાન ટોચ પર હતું. આ વર્ષે તે ૯૫મા ક્રમે છે. ખુશાલીના માપદંડમાં અપેક્ષિત આયુષ્ય, આવક, ઉદારતા, સામાજિક સહયોગ, સરકારમાં વિશ્વાસ, ભ્રષ્ટાચાર, સામાજિક સ્વતંત્રતા, ઈમિગ્રન્ટના કલ્યાણ અને ખુશી, સ્વસ્થ જીવન જેવા મુદ્દા સામેલ છે. કોપનહેગનસ્થિત હેપીનેસ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના સીઈઓ મેઈક વાઈકિંગે જણાવ્યું હતું કે ખુશી જીવનની ગુણવત્તાની બાબત છે, પસંદગીની વાત નથી.

સૌથી ખુશહાલ પાંચ દેશ

ફિનલેન્ડ - ૧
ડેનમાર્ક - ૨
નોર્વે - ૩
આઈસલેન્ડ સ્વીડન - ૪
નેધરલેન્ડ્સ - ૫


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter