લંડનઃ સકારાત્મક દૃષ્ટિકોણ ધરાવતી વ્યક્તિઓમાં ગંભીર બીમારીઓનું જોખમ ઓછું હોય છે. હાર્વર્ડ ટી એચ. ચાન સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના એક રિસર્ચ મુજબ, જે વ્યક્તિઓ પોતાના ઓડ ટાઇમમાં ખુશ રહે છે, એમની અડધાથી વધુ મુશ્કેલીઓ એમ જ ગાયબ થઇ જાય છે. જીવન પ્રત્યે પોઝિટિવ એપ્રોચ ધરાવતી વ્યક્તિઓ હૃદય અને મગજથી હેલ્ધી, દેખાવમાં સુંદર અને જીવનમાં સફળ હોય છે. આટલું જ નહીં, પોઝિટિવ એપ્રોચ ધરાવતી વ્યક્તિઓ પોતાની કારકિર્દી અને સંબંધોમાં સારું સંતુલન જાળવી શકે છે તેઓ ખરાબ સમયમાં ઉદાસી અને ગુસ્સાથી બચી શકે છે. આથી જ હંમેશા પોઝિટિવ વ્યક્તિઓ વચ્ચે રહેવું ફાયદાકારક હોય છે.
અભ્યાસમાં કહેવાયું છે કે, જો તમે ખુશ રહેતા લોકો સાથે વધુ સમય વીતાવો છો તો તમારો મૂડ પણ પોઝિટિવ રહે છે. અમેરિકન સોશિયલ સાયન્ટિસ્ટ જેમ્સ એચ. ફોલરના અભ્યાસમાં જોવા મળ્યું કે, જો તમે કોઇ કારણે ઉદાસ છો, પરંતુ તમારો કોઇ સાથીદાર ખુશમિજાજ છે તો તેનાથી તમારી ઉદાસી લગભગ ૨૫ ટકા ઘટી જાય છે.
અભ્યાસમાં એમ પણ કહેવાયું છે કે, જે લોકો હંમેશા પોઝિટિવ વિચારે છે તેમની ત્વચા ચમકદાર રહે છે. તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ એવું છે કે, ખુશી દરમિયાન શરીરમાં સેરોટોનિન અને એન્ડોર્ફિન જેવા ફીલ ગુડ હોર્મોન્સનો પ્રવાહ વધી જાય છે. તેનાથી ત્વચા સાથે સંકળાયેલી સમસ્યાઓનું જોખમ પણ ઘટે છે.