તાઇપેઇ (તાઇવાન)ઃ સેલફોનનો ઉપયોગ હવે બેફામ વધી રહ્યો છે ત્યારે તાઇવાનની પચીસ વર્ષની ચેન નામની કન્યાના સમાચાર લાલ બત્તી સમાન છે. આ બહેનને દિવસ-રાત ફોન પર ફુલ બ્રાઇટનેસ મોડ પર કામ કરવાની આદત હતી. છેલ્લાં બે વર્ષથી તે લગાતાર આ આદત ધરાવતી હતી જેને કારણે તેની આંખોને એવું નુકસાન થયું છે જે રિવર્સ થઈ શકે એમ નથી. આંખમાં આવેલા કોર્નિયામાં લગભગ ૫૦૦ અત્યંત ઝીણાં કાણાં પડી ગયાં છે અને કોર્નિયા દેખાવમાં જાણે માઇક્રોવેવમાં શેકાઈ ગયો હોય એવો થઈ ગયો છે. ચેન સેક્રેટરી છે અને તેને કામસર આખો દિવસ ઈ-મેઇલ, મેસેજ, ચેટ અને કોલનો જવાબ આપવો પડતો હતો. દિવસ હોય કે રાત તે હંમેશાં મોબાઇલ પર એક્ટિવ રહેતી હતી. અંધારામાં પણ તે ફુલ બ્રાઇટનેસ મોડ ચાલુ રાખતી હતી જેને કારણે તેના કોર્નિયાને નુકસાન થયું હતું.
બે વર્ષ લગાતાર કામ કર્યા પછી તેની આંખો ડ્રાય થવા લાગી, વારંવાર બળતરા થવા લાગી અને પાણી પડવા લાગ્યું. તેણે આઇ-ડ્રોપ્સ નાખ્યાં, પણ એનાથી કોઈ ફાયદો ન થયો. આંખમાં પીડા અને અચાનક જ આંખમાં લોહીની નળીઓ ઊપસી આવવાની સમસ્યા થવા લાગતાં તે ડૉક્ટરને બતાવવા ગઈ અને ખબર પડી કે કોર્નિયા ચાળણી જેવો થઈ ગયો છે.