લંડનઃ એક જ એપોઈન્ટમેન્માં ફ્લુ અને કોવિડ-૧૯ વેક્સિન આપવાનું સલામત રહેશે તેમ પ્રથમ ક્લિનિકલ ટ્રાયલનાં તારણોમાં જણાવાયું છે. ફ્લુ તેમજ ફાઈઝર અને એસ્ટ્રેઝેનેકાની કોવિડ વેક્સિનેશન એક જ સમયે આપી શકાય કે કેમ તેના પ્રથમ અભ્યાસમાં આ પ્રક્રિયાને સલામત ગણાવાઈ છે. આ રીતે વેક્સિનેશનથી માત્ર હળવીથી મધ્યમ આડઅસરો થતી હોવાનું જણાયું હતું.અભ્યાસના અંતે ૯૭ ટકા વોલન્ટીઅર્સે ભવિષ્યમાં એક જ એપોઈન્ટમેન્ટમાં બે વેક્સિન લેવાની તૈયારી દર્શાવી હતી.આ પરિણામો લાન્સેટ જર્નલ સમક્ષ રજૂ કરાયા છે.
એક જ સમયે ફ્લુ અને કોવિડ વેક્સિનેશન આપવા બાબતે વોલન્ટીઅર્સ પર કરાયેલા બ્લડ ટેસ્ટમાં જણાયું હતું કે કેટલાક લોકોને ફ્લુ અને કોવિડ વેક્સિનની વધુ સાઈડ ઈફેક્ટ્સ જણાઈ હતી પરંતુ, અસર હળવાથી મધ્યમ જેટલી જ રહી હતી. સૌથી સામાન્ય આડઅસરમાં ઈન્જેક્શન અપાયાની જગાએ પીડા, કામચલાઉ નબળાઈ, માથાનો દુઃખાવો અથવા સ્નાયુમાં પીડાનો સમાવેશ થયો હતો. એક જ બાવડા પર કે અલગ અલગ બાવડાએ અપાયેલા ફ્લુ અથવા કોવિડના વેક્સિન ઈન્જેક્શન્સથી ઈમ્યુન રિસ્પોન્સીસ પર કોઈ નેગેટિવ અસર જણાઈ ન હતી. જોકે, સનોફીની ફ્લુબ્લોક ફ્લુ વેક્સિનને ફાઈઝર કોવિડ વેક્સિન સાથે અપાયાથી તે વધુ શક્તિશાળી જણાઈ હતી.
આ ઓટમ અને શિયાળામાં ફ્લુની સાથોસાથ કોવિડ બૂસ્ટર ડોઝ આપવા બાબતે જોઈન્ટ કમિટી ઓન વેક્સિનેશન એન્ડ ઈમ્યુનાઈઝેશન (JCVI)ની સલાહને ‘કમ્બાઈનિંગ ઈન્ફ્લુએન્ઝા એન્ડ કોવિડ-૧૯ વેક્સિનેશન’ (ComFluCov) અભ્યાસના તારણોથી પુષ્ટિ મળી છે. આ ટ્રાયલના મુખ્ય સંશોધક અને યુનિવર્સિટી હોસ્પિટલ્સ બ્રિસ્ટોલ એન્ડ વેસ્ટોન NHS ફાઉન્ડેશન ટ્રસ્ટ ખાતે ચેપી રોગો અને માઈક્રોબાયોલોજીના કન્સલ્ટન્ટ ડો. રાજેકા લાઝારસે જણાવ્યું હતું કે આ તારણો પ્રાથમિક છે પરંતુ, કોવિડ બૂસ્ટર્સ અને ફ્લુ શોટ્સને લાયક લોકોમાં ઓછી એપોઈન્ટમેન્ટ્સ તરફ પોઝિટિવ પગલું બની રહેશે.
ઈંગ્લેન્ડ અને વેલ્સના ૧૨ NHS કેન્દ્રોમાં ૬૭૯ વોલન્ટીઅર્સ પર ટ્રાયલ લેવાઈ હતી જેમણે એક હાથ પર ફાઈઝર અથવા એસ્ટ્રેઝેનેકા કોવિડ વેક્સિન લીધી હતી અને બીજા હાથ પર ત્રણમાંથી એક ફ્લુ વેક્સિન લીધી હતી. વોલન્ટીઅર્સને ૬૫થી વધુ અને ૬૫થી નીચે એમ બે વયજૂથમાં વહેંચી દેવાયા હતા. તેમની પ્રથમ એપોઈન્ટમેન્ટમાં કોવિડ અને ફ્લુ અથવા કોવિડ અને પ્લેસીબો (સામાન્ય) ઈન્જેક્શન્સ અપાયા હતા. ત્રણથી ચાર સપ્તાહ પછી તેમને બાકી રહ્યા હોય તે પ્લેસીબો અથવા ફ્લુ વેક્સીન અપાયા હતા. ત્રીજી એપોઈન્ટમેન્ટમાં તેમની સાથે સાઈડ ઈફેક્ટ્સની ચર્ચા ઉપરાંત, બ્લડ સેમ્પલ્સ લેવાયાં હતાં.