અમદાવાદઃ કોઇ વ્યકિતનાં શરીરમાંથી તબીબોએ બે, ચાર, આઠ, દસ, પંદર, વીસ પથરી કાઢ્યાનું તમે જાણ્યું હશે, પરંતુ અમદાવાદના એક ગેસ્ટ્રો સર્જને બગદાદનાં ૪૨ વર્ષીય દર્દીની ગોલ બ્લેડર (પિત્તાશયની થેલી) અને પિત્તની નળીમાંથી અધધધ કહી શકાય તેટલી ૧૦૭૦ પથરી કાઢી છે. પિત્તાશયની પથરીની સારવારને અભાવે પથરી પિત્તાશયની નળી કે સ્વાદુપિંડમાં અટકી જતાં દર્દીના જીવન પર જોખમ સર્જાયું હોવાનું સર્જને કહ્યું હતું.
ગેસ્ટ્રો સર્જન ડો. અવિનાશ ટાંકના જણાવ્યા પ્રમાણે, બગદાદથી વ્યવસાય અર્થે જામનગર આવેલાં ૪૨ વર્ષના હુસૈન સહલાતી લામીને પેટમાં અસહ્ય સખત દુખાવો થતાં સારવાર અર્થે અહીં લાવવામાં આવ્યા હતા. દર્દીનાં બ્લડ ટેસ્ટ અને સોનોગ્રાફી રિપોર્ટ બાદ પિત્તાશયની થેલી અને પિત્તની નળીમાં પથરી હોવાનું જણાયું હતું.
પહેલાં તો પિત્તની નળીમાં રહેલી પથરીને એન્ડોસ્કોપી દ્વારા બહાર કાઢી અને બે દિવસ પછી લેપ્રોસ્કોપીક સર્જરી હાથ ધરી હતી. જોકે, સર્જરી વેળા હું અને સ્ટાફ પણ આશ્ચર્યમાં પડી ગયા હતા કારણ કે દર્દીનાં પિત્તાશયની થેલીમાંથી ૧૦૭૦ પથરી નીકળી હતી. મેં મારી કારકિર્દીમાં પ્રથમ વાર કોઇ દર્દીનાં પિત્તાશયમાંથી આટલી પથરી કાઢી છે.
દર્દીના પિત્તાશયથી થેલી અને પિત્તાશયની નળીમાં આટલી મોટી સંખ્યામાં પથરીનો ભરાવો થયો હોવાથી સોજો આવી ગયો હતો. સાથે સાથે જ તેને કમળો પણ થયો હતો.
પિત્તાશયની નળીમાં નાની કે મોટી પથરી જોખમી બની શકે છે. પથરીની યોગ્ય સારવારને અભાવે પથરી પિત્તાશયની નળી અને સ્વાદુપિંડમાં અટકી જતાં સોજો આવવાથી દર્દીને જીવનું જોખમ થઈ શકે છે.