ક્યારેક નવરા બેઠા હોઈએ ત્યારે વિચારવા જેવું છે કે કંટાળો આવતો હોય ત્યારે બગાસાં કેમ આવે છે? એક વ્યક્તિને બગાસું ખાતી જોઈને સ્વાભાવિકપણે બીજાને પણ બગાસું આવે છે. આ માત્ર માન્યતા કે લોકવાયકા નથી, પણ રિસર્ચરોએ પ્રયોગ કરીને નોંધેલી બાબત છે કે કોઈને બગાસું ખાતાં જોઈને જોનારને એ પછીની પાંચ મિનિટની અંદર જ બગાસું આવે છે છે. જોકે આવું કેમ થાય છે એ સમજવું સાયન્ટિસ્ટ માટે માથાના દુખાવા સમાન બની ગયું છે.
બગાસું ચેપી કેમ હોય છે એ સમજવા માટે સ્કોટલેન્ડના રિસર્ચર્સે એક અભ્યાસ આદર્યો હતો. એમાં તેમણે જરાક નવરાશની પળોમાં બગાસાં ખાનારા મોટેરાઓ અને બાળકો પર પણ પ્રયોગ કર્યો હતો. ને તેમનું આશ્ચર્યજનક તારણ છે કે મોટેરાંઓ માટે ભલે બગાસું ચેપી હોય, પણ બાળકો પર બગાસાની કોઈ અસર નથી થતી. ખાસ કરીને એક વર્ષથી નાના બાળકની સામે કોઈ પણ બગાસું ખાશે તો એ જોઈને બાળક બગાસું નહીં જ ખાય એની છાતી ઠોકીને ખાતરી સંશોધકો આપે છે. નાનકડાં બાળકો પોતાને જ્યારે ખાવું હોય છે ત્યારે જ બગાસું ખાય છે.
બીજાને બગાસું ખાતાં જોઈને બેથી ચાર વર્ષનાં બાળકોમાં પણ માત્ર ત્રણેક ટકા બાળકોમાં જ પ્રતિભારૂપે બગાસું નીકળે છે. બાર વર્ષથી નાની વ્યક્તિ જો ધારે તો બીજાનું જોઈને બગાસું ખાવાની ઇચ્છાને ટાળી શકે છે, પણ એડલ્ટ વ્યક્તિઓમાં એવી ઐચ્છિક ક્ષમતા નથી હોતી. ટૂંકમાં સ્કોટલેન્ડના રિસર્ચરોનું કહેવું છે કે બગાસું માત્ર પુખ્ત વયનાઓ માટે જ ચેપી છે અને આ મામલે પુખ્તતાની ઉંમર બાર વર્ષ પછી જ શરૂ થાય છે.
બગાસું શા માટે આવે છે?
બગાસાં બે પ્રકારે આવે છે. એક, કોઈકને બગાસું ખાતાં જોવા કે તેનો અવાજ સાંભળવાથી અને બીજું, આવું ન જોવા છતાં એની મેળે બગાસું આવવું. મોટા ભાગે કંટાળો આવે ત્યારે આપમેળે બગાસું આવે છે. એવું માનવામાં આવે છે કે જ્યારે શરીરમાં ઓક્સિજન અને એનર્જીનું પ્રમાણ ઘટી જાય છે ત્યારે બગાસું આવે છે. મગજને થાક લાગ્યો હોય ત્યારે અથવા તો કોઈ ચીજમાં રસ પડતો ન હોય ત્યારે બગાસું આવે છે. જ્યારે ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય છે ત્યારે એક સાથે વધુ માત્રામાં ઓક્સિજન મેળવવા માટે બગાસું આવે છે. વૈજ્ઞાનિકોએ આ વિશે કેટલાંક તુલનાત્મક સંશોધનો પણ કર્યાં છે, પરંતુ કોઈ નિશ્ચિત તારણ પર નથી પહોંચ્યા. એક તારણ એવું છે કે બગાસું અજાગ્રત મનમાં થતી પ્રક્રિયાને કારણે આવતું હોવાથી એના પર મગજનો કોઈ કાબૂ નથી હોતો. એટલે જ એ ક્યારે આવશે એ અને શા માટે આવે છે એ કહેવું મુશ્કેલ છે.
બ્રેઇનની મિરર સિસ્ટમ
બીજાને બગાસું ખાતા જોઈએ એટલે આંખો દ્વારા એ સંદેશો બ્રેઇન સુધી પહોંચે છે. બ્રેઇન-સ્કેનિંગ કરીને કરવામાં આવેલા સ્ટડી મુજબ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે બગાસું આવે ત્યારે એને જોનાર કે સાંભળનાર વ્યક્તિના મગજ સુધી સંદેશો પહોંચાડનારા જ્ઞાનતંતુઓ ‘મિરર ન્યૂરો સિસ્ટમ’ ધરાવે છે. એટલે કે કોઈકની નકલ ઉતારવા માટે જે જ્ઞાનતંતુઓ વપરાય છે એ જ્ઞાનતંતુઓ બગાસું ખાતી વખતે વપરાય છે. મિમિક્રી માટે આપણે જાગ્રત મનનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ બગાસાનો સંદેશો અજાગ્રત મન પર પહોંચે છે. મતલબ કે મિમિક્રી કરતી વખતે આપણને ખબર હોય છે કે આપણે કોઈકના જેવી નકલ કરી રહ્યા છીએ, પરંતુ બગાસાનો સંદેશો મગજ સુધી પહોંચે છે તથા મગજમાંથી એની નકલ કરવાનો સંદેશો સ્નાયુઓને મળે છે અને આપણને બગાસું આવે છે. અગેઇન, બગાસાનો સંદેશો શા માટે મિમિક્રી સાથે સંકળાયેલા મગજના ભાગમાં જાય છે એનો કોઈ જવાબ ન્યૂરો સાયન્ટિસ્ટ પાસે નથી.
અતિશય બગાસાંથી ચેતવું
મોટા ભાગના કિસ્સામાં બગાસાને શરીરની તંદુરસ્તી સાથે કોઈ લેવાદેવા નથી હોતી. સ્વસ્થ કે અસ્વસ્થ દરેક માણસને બગાસું આવે છે. બગાસું આવવાના કોઈ ચોક્કસ ફાયદા પણ હજી સુધી નથી જણાયા. જોકે અત્યંત વધુ માત્રામાં બગાસાં આવતાં હોય તો ડોક્ટરને બતાવવું જોઈએ.
વધુ માત્રા એટલે એક મિનિટમાં ચાર કે એથી વધુ. બગાસાં વારંવાર આવતાં હોય તો એ મગજના સંદેશવહનની ક્રિયામાં ખામી ઊભી થઈ હોવાનું પ્રાથમિક લક્ષણ ગણી શકાય.
બગાસા વિશે જાણવા જેવું
• મોટેરાંઓ દિવસમાં સરેરાશ સાતથી નવ બગાસાં ખાય છે.
• બે વર્ષથી નાનું સ્વસ્થ બાળક દિવસમાં બેથી ચાર જ વાર બગાસું ખાય છે.
• કૂતરાં, બિલાડી, ચિમ્પાન્ઝી જેવા સસ્તન પ્રાણીઓ અને કેટલાંક સરિસૃપ એટલે કે
પેટ ઘસડીને ચાલતાં પ્રાણીઓમાં પણ કેટલેક અંશે ચેપી બગાસા જોવા મળે છે.
• એક બગાસું ખાતા આશરે છ સેકન્ડ લાગે છે. બગાસું આવે ત્યારે એટલે કે છ સેકન્ડ માટે હૃદયની ગતિ નોર્મલ કરતાં ત્રીસ ટકા વધી જાય છે.
• ૫૫ ટકા લોકો બીજા કોઈકને બગાસું ખાતાં જોઈને એ પછીની પાંચ મિનિટમાં જ બગાસું ખાય છે.
• બગાસું ખાતી વખતે આળસ મરડતો જે અવાજ આવે છે એ સાંભળીને જોઈ ન શકનારા ૫૦ ટકા લોકો પણ બગાસું ખાય છે. ફોન પર કોઈને બગાસું ખાતાં સાંભળવાથી બીજા છેડેના માણસને પણ બગાસાનો ચેપ લાગી શકે છે.
• ઓલિમ્પિક એથ્લીટ્સ હરીફાઈની શરૂઆત પહેલાં બગાસું ખાઈ લેતા હોય છે.
• માણસ જન્મે એ પહેલાંથી બગાસું ખાતો થઈ જાય છે. માના પેટમાં અગિયાર અઠવાડિયાંનું બાળક પણ બગાસું ખાતું હોય છે.