બાર્સેલોનાઃ બગીચાની નજીક રહેતાં લોકોનું સ્વાસ્થ્ય વધારે સારું હોય છે અને તેમનું સરેરાશ આયુષ્ય પણ થોડુંક વધી જાય છે. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સંશોધકોની એક ટીમ દ્વારા બગીચાની નજીક અને દૂર રહેનારા લોકો ઉપર સંશોધન કરાયું હતું. તેમને જણાયું હતું કે બગીચાની નજીક રહેતાં લોકોની વહેલા મૃત્યુ થવાની શક્યતાઓ અત્યંત ઘટી જાય છે. સંશોધકો દ્વારા વિશ્વભરનાં સાત દેશોના જુદા જુદા શહેરોમાં વસતાં ૮૦ લાખ લોકો ઉપર આ સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું. તારણમાં જાણવા મળ્યું હતું કે બગીચાની નજીક રહેનારા પુખ્ત લોકો હૃદયરોગ અને કેન્સર જેવા જીવલેણ રોગોથી બચી શકે છે અને તેમનું જીવન પણ લંબાય છે. સંશોધકોએ જણાવ્યું હતું કે શહેરી વિસ્તારોમાં ઉત્પન્ન થતાં પ્રદૂષણ અને ઝેરી રસાયણોની અસરને બગીચાનાં વૃક્ષો અને છોડવા ઓછી કરી નાખે છે. વૃક્ષ-ઝાડપાન શુદ્ધ હવાનું પ્રમાણ વધારે છે અને ઝેરી હવાની અસર ઓછી કરે છે.
સ્પેનના બાર્સેલોના ઇન્સ્ટિટ્યૂટ ફોર ગ્લોબલ હેલ્થની ટીમે જણાવ્યું હતું કે લોકોએ બગીચામાં વારંવાર કસરત કરવા અને મોર્નિંગ વોક માટે જવું જોઈએ તેનાથી ઓબેસિટીની પણ બચી શકાય છે. આ ઉપરાંત બગીચામાં જવા માત્રથી સ્ટ્રેસ લેવલ ઘટે છે અને માનસિક શાંતિ મળે છે. સંશોધકો દ્વારા અમેરિકા, કેનેડા, સ્પેન, ઈટાલી ઓસ્ટ્રેલિયા સ્વિટઝર્લેન્ડ અને ચીન જેવા સાત દેશોના લોકો ઉપર અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. સંશોધકો દ્વારા સેટેલાઈટ ઇમેજની મદદથી અભ્યાસમાં ભાગ લેનારા લોકોના ઘર અને બગીચા વચ્ચેના અંતરને જાણવામાં આવ્યું હતું. તેના થકી જ લોકોના પરની આસપાસના ગ્રીન સ્પેસ અને તેમના આરોગ્ય પર થતી અસરની ચકાસણી કરવામાં આવી હતી.