બપોરના સમયે, ખાસ કરીને જમ્યા પછી, 10 મિનિટથી 30 મિનિટની ઝોકું તન અને મન બન્નેના આરોગ્ય માટે ઉપકારક બને છે. જોકે શરત એટલી જ કે ઝોકું 10 મિનિટથી 30 મિનિટથી વચ્ચેના સમય જેટલું જ હોવું જોઈએ. 10 મિનિટથી ઓછો સમય ઝપકી ખાવ તો લાભ નથી થતો અને 30 મિનિટથી વધારે સમય ઝપકી ખાવ તો પણ લાભ નથી થતો.
બપોરના નાનકડાં ઝોકાંથી કામમાં મન વધુ સારી રીતે પરોવાય છે. યાદશક્તિ સુધરે છે, મનમાં ઉમંગ જાગે છે, તાણ ઓછી થઈ જાય છે. સર્જનાત્મક વિચારો આવવા લાગે છે, તમારો વિલપાવર વધી જાય છે, અને કાર્યક્ષમતામાં પણ વધારો થાય છે. 20થી 26 મિનિટનું ઝોકું ખાવાથી કામગારીમાં દેખાવ 33 ટકા સુધરી જતો હોવાનું એક અભ્યાસમાં નોંધાયું છે.
બપોરે 10થી 20 મિનિટ આડેપડખે થવાથી તમે સવારથી બપોર સુધી થયેલી વાતચીત, કરેલા કામ અને વિચારોને વધારે સ્પષ્ટ રીતે યાદ રાખી શકો છો. સવારથી બપોર સુધીના કામનું વિશ્લેષણ વધારે સારું કરી શકો છો. બપોરના ભોજન બાદ, 10થી 30 મિનિટનું ઝોકું લીધા પછી કોઈ વસ્તુ શીખવા પ્રયાસ કરશો તો સરળતાથી શીખી શકશો. બપોરે અડધા કલાકથી ઓછો સમય ઝોકું લેવાથી બ્લડ પ્રેશર નોર્મલ થઈ જાય છે. અને તેથી તમારું હૃદય મજબૂત બને છે. બપોરનું આ નાનકડું ઝોકું રાત્રે સારી ઉંઘ પણ લઈ આવે છે. આમ બપોરનું ઝોકું આરોગ્ય માટે સર્વાંગી લાભદાયક છે.