ઝ્યુરિચઃ કેટલાક પુખ્ત વયના લોકોને બપોરના સમયે ઝપકી આવી જતી હોય છે. નિષ્ણાતો કહે છે કે બપોરની સમયની આ નાનકડી ઊંઘ વ્યકિતમાં હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ ઘટાડે છે. અઠવાડિયામાં બે વાર સ્નૂઝ એટલે કે બપોરની ઊંઘ લેનારા વ્યક્તિઓમાં હાર્ટ એટેક કે સ્ટ્રોકનું જોખમ ઘટી જાય છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જેમણે સપ્તાહમાં બે વાર બપોરે ઊંઘ લીધી હતી તેવી વ્યક્તિઓમાં હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ ૪૮ ટકા ઘટી ગયું હતું.
વૈજ્ઞાનિકો કહે છે કે આઠ કલાકની ઊંઘ લેનારાઓ કરતાં પણ બપોરના સમયે થોડીક ઊંઘ લેનારાઓમાં હાર્ટ એટેક કે સ્ટ્રોકની શક્યતા અડધોઅડધ ઘટી જાય છે. તેની સરખામણીમાં જેઓ બપોરે ક્યારેય ઊંઘ નથી લેતાં તેવા લોકોમાં હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ વધુ જણાયું હતું. સ્વિત્ઝર્લેન્ડની લુઝાને યુનિવર્સિટી સાથે સંકળાયેલી મેડિકલ ટીમે સરેરાશ ૩૫થી ૭૫ વર્ષની વયના ૩૪૦૦ લોકોનો પાંચ વર્ષ અભ્યાસ કર્યા બાદ આ તારણ કાઢ્યું છે. તેમણે આ લોકોની સરેરાશ નિદ્રા, બપોરના સમયની ઊંઘ વગેરે સમય નોંધીને તેનું વિશ્લેષણ કર્યું હતું. આ રિસર્ચ ટીમના વડા ડો. નાડિન હૌસલેએ જણાવ્યું હતું કે ટીમે સંભવિત પરિબળોનો હિસાબ કરીને આ તારણ કાઢ્યું છે. આ સંશોધનમાં હાઈ બીપી, કોલેસ્ટેરોલ જેવા કાર્ડિયોવાસ્ક્યુલર રોગના જોખમો તેમજ અન્ય બાબતોની પણ નોંધ કરાઇ હતી.