ન્યૂ યોર્કઃ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હૂ’) દ્વારા એક અભિયાન ચલાવાઈ રહ્યું છે જેના કેન્દ્રમાં વિશ્વભરના બાળકોનું સ્વાસ્થ્ય છે. ‘હૂ’ ગાઈડલાઈન જાહેર કરાઈ છે જેમાં જણાવ્યું છે કે જો પાંચ વર્ષથી નાની ઉંમરના બાળકો વધારે સમય મોબાઈલ અને ટીવી સ્ક્રિન સામે વિતાવે તો તેમના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર અસર થાય છે. ગાઈડલાઈનમાં જણાવ્યા પ્રમાણે ટીવી અથવા તો મોબાઇલ સામે બેસી રહેવા કરતાં બાળકોએ રમતગમત અને પૂરતી ઊંઘ લેવી જોઈએ. જો બાળકો વધારે સમય ટીવી, મોબાઈલ અને અન્ય ગેજેટ્સ સાથે વિતાવે છે તો તેમની જીવનશૈલી નિષ્ક્રિય થઈ જાય છે. આવા બાળકોને ઊંઘ પણ બરાબર નથી આવતી, જેની સીધી અસર તેમના માનસિક સ્વાસ્થ્ય પર થાય છે.
આ ઉપરાંત નિષ્ક્રિય જીવનશૈલીના કારણે બાળકોમાં મેદસ્વિતા અને શારીરિક શિથિલતાનું પ્રમાણ પણ વધે છે, જે સ્વાસ્થય માટે ખૂબ હાનિકારક છે. ગાઈડલાઈનમાં જણાવ્યું છે કે એક વર્ષથી નાના બાળકોને ટીવી મોબાઈલ કે કમ્પ્યુટર બિલ્કુલ ના બતાવવા જોઈએ. તો પાંચ વર્ષથી નાની ઉંમરના બાળકોને એક કલાકથી વધારે સમય મોબાઈલ કે ટીવીનો ઉપયોગ કરવા દેવો ના જોઈએ.