લંડનઃ બાળકોને વનસ્પતિમાંથી પ્રાપ્ત દૂધ (vegan milk) કરતા સાચુ દૂધ આપવું હિતકારી હોવાનું સંશોધકોએ પેરન્ટ્સને ચેતવણી આપતા જણાવ્યું છે. બદામના દૂધ જેવા આરોગ્યપ્રદ મનાતા વેગન મિલ્કથી બાળકોનાં સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે.
સ્પેનમાં ૧૧ મહિનાના બાળકને આ દૂધ આપ્યા પછી પણ વિટામીન-સીની ઉણપના લીધે સ્કર્વી રોગનું નિદાન કરાયું હતું, જે વિકસિત દેશોમાં જવલ્લે જોવાં મળે છે. આ બાળકને ૧૦ સપ્તાહની વયથી જ ફોર્મ્યુલા આધારિત બદામ વેગન મિલ્ક અપાતું હતું, જેમાં નાના બાળકો માટે તમામ આવશ્યક પોષક તત્વો હોવાનો દાવો કરાયો હતો. આવી ફોર્મ્યુલામાં જે રીતે પ્રોસેસિંગ કરાયા છે તેના કારણે ઉમેરેલું વિટામીન-સી અસરકારક રહેતું નથી.