ન્યૂક્લિયર ફેમિલીના બાળકોને દાદા-દાદીનો પ્રેમ ફક્ત ઉનાળાની રજાઓમાં જ મળે છે. પરંતુ તાજતરમાં થયેલા એક અભ્યાસના તારણ દર્શાવે છે કે જે બાળકો બાળપણથી દાદા-દાદી કે નાના-નાની સાથે રહે છે, વડીલોનો પ્રેમ સતત મેળવે છે તેમનું જીવન વધુ બહેતર હોય છે કેમ કે વડીલોનો સંગાથ તેમની મેન્ટલ હેલ્થ પર સારી અસર કરે છે. બાળકો અને વૃદ્ધોના સહવાસ અંગે અભ્યાસનો નિષ્કર્ષ દર્શાવે છે કે જે બાળકો તેમના ગ્રાન્ડ-પેરન્ટ્સ સાથે રહે છે તે બાળકોમાં મોટા થવા પર ડિપ્રેશનની સમસ્યા વધારે જોવા મળતી નથી. આ બાળકો મેન્ટલ પ્રેશરને સરળતાથી સહન કરી લે છે. કોઈ પણ વિપરિત સ્થિતિનો સામનો કરવાની અને દરેક પ્રકારની સમસ્યાનો ધીરજ ગુમાવ્યા વિના ઉકેલવાની ક્ષમતા પણ વધી જાય છે.
આ અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું કે દાદા-દાદી કે નાના-નાનીથી મળતો પ્રેમ બાળકોને બુદ્ધિમાન અને વધુ ધૈર્યવાન બનાવે છે. આ અભ્યાસ દરમિયાન બાળ માનસના અભ્યાસુ પીએચડી સ્કોલર જેફ્રી સ્ટોક્સે નોંધ્યું કે ઘરના બાળકો સાથે મસ્તી-મજાક કરવા અને તેમની સાથે રમવાની વૃદ્ધો પર પણ સારી અસર થાય છે. ડિમેન્શિયા જેવા અનેક રોગ વૃદ્ધોથી દૂર રહે છે. બહેતર સ્વાસ્થ્યની સાથે જ તે લાંબું આયુષ્ય પણ મેળવે છે.
ન્યૂક્લિયર પરિવારના બાળકોને વૃદ્ધોથી વીડિયો કોલિંગના માધ્યમથી કનેક્ટ કરો. બાળકોના રૂમમાં પરિવારના વૃદ્ધો સાથે હસતીખેલતી તસવીરો સજાવો. તેનાથી બાળકો તેમની સાથે એક જોડાણની લાગણી અનુભવશે. બાળકોનું દાદા-દાદી અને નાના-નાની સાથે વાત કરવાનું રુટીન બનાવો. એક નક્કી સમયે વાતચીત કરાવો. બાળકોનું તેના ગ્રાન્ડ પેરન્ટ્સ સાથે પરસ્પર કનેક્ટ રહેવું તેમના સંબંધોને તો મજબૂત કરશે જ સાથેસાથે અને ઈમ્યુનિટી બૂસ્ટરનું કામ પણ કરશે.