બહુમતી વર્ગમાં એક ગેરમાન્યતા જોવા મળે છે કે શરીર તંદુરસ્ત છે તો મોઢાની તંદુરસ્તી અંગે ખાસ ચિંતા કરવાની જરૂર નથી. જોકે, હકીકત એ છે કે મોઢાની નાદુરસ્તીનો સંબંધ હૃદયરોગ, ગર્ભધારણ, ડાયાબિટીસ, હાડકાં સંબંધિત રોગો સાથે પણ છે. દાંતોમાં એક યા બીજા પ્રકારની નાદુરસ્તી ખરાબ તંદુરસ્તી શરીરમાં કેલ્શિયમ અને વિટામિન ડીની ઉણપનો સ્પષ્ટ સંકેત બતાવે છે. એક અભ્યાસના તારણ અનુસાર, 60થી 80 ટકા બાળકોમાં દાંત વચ્ચે જગ્યા, દાંત એક લાઈનમાં ન હોવા અને દાંત સંબંધિત બીજી સમસ્યાઓ જોવા મળે છે. 90 ટકા યુવાનોમાં પેઢાંને લગતી કોઇને કોઇને સમસ્યા જોવા મળે છે. તેમાં પણ 50 ટકા લોકો આ વાતને ગંભીર ગણતા નથી. મોટી વયે જોવા મળતી આ દાંતની તકલીફો નિવારવી હોય તો બાળકોના દાંતની નાનપણથી જ વિશેષ કાળજી રાખો.
• બાળકને કેવિટીથી કઇ રીતે બચાવશો?
ગળ્યું ખાધા પછી દાંત સાફ ન કરવા કેવિટીનું સૌથી મોટું કારણ છે. દાંત, મોઢાની લાળ અને ગળ્યું આ બધું જ્યારે એકત્રિત થાય છે તો 15 મિનિટ પછી કેવિટી બનવાની શરૂઆત થઈ જાય છે. પ્લાકના બેક્ટેરિયા શુગરયુક્ત પદાર્થોમાંથી જ એસિડ બનાવે છે, જે દાંત અને મસોડાને નુકસાન પહોંચાડે છે. આથી, ગળ્યું ખાધાના પંદર મિનિટમાં ભલે પાણીથી જ કરો, પરંતુ દાંત અવશ્ય સાફ કરવા જોઈએ. હંમેશા યાદ રાખો કે દાંત માટે ખાંડ નુકસાનકારક છે, ગોળ નુકસાનકારક નથી.
• મજબૂત દાંત-પેઢાં માટે બાળકોને શું ખવડાવવું?
હાઇફાઈબર ધરાવતા ફળ અને શાકભાજી બાળકોના ભોજનમાં અચૂક સામેલ કરો કેમ કે આ મોઢાને સાફ રાખવામાં મદદ કરે છે. બ્લેક ટી અને ગ્રીન ટી પણ મોઢાના બેક્ટેરિયા ઘટાડવામાં મદદ કરે છે. ડેરી ઉત્પાદનો જેમ કે દૂધ, પનીર અને દહીંને ભોજનમાં જરૂર સામેલ કરો, કેમ કે આ પદાર્થ લાળ બનાવવામાં મદદ કરે છે. ફ્લોરાઈડ ધરાવતા ખાદ્ય પદાર્થ જેમ કે, દ્રાક્ષ અને બટાકાને પણ બાળકોના ભોજનમાં જરૂર સામેલ કરો.
• નાના બાળકોમાં કેવિટીની સારવાર કેટલી જરૂરી?
તેની સારવાર જરૂર કરાવો કારણ કે બાળકોની સારવાર કરવી સરળ છે. દૂધીયા દાંત એ નક્કી કરે છે કે, કાયમી દાંત કેવા હશે. કેમ કે આ દાંત જ કાયમી દાંત માટે રસ્તો તૈયાર કરે છે.
• બાળકોમાં દાંત સીધી લીટીમાં ન હોવાની સમસ્યા કેમ?
ત્રણ કારણ છે. પ્રથમ - આનુવાંશિકતા. બીજું - બાળકો દ્વારા અંગૂઠો ચૂસવો કે જીભ વડે સતત દાંતને ધક્કો મારવો. અને ત્રીજું, હંમેશા મોઢાથી શ્વાસ લેવો પણ એક કારણ છે. મોઢાથી શ્વાસ લેવામાં મોઢું સુકાઈ જાય છે. એવામાં ઉપ૨ના દાંત બહાર તરફ નીકળી આવે છે.
• રમતા સમયે કે ઈજાને કારણે બાળકોના દાંત તુટી જાય તો શું કરવું?
જો તે કાયમી દાંત છે તો દાંત તુટ્યાના બે કલાકમાં ડોક્ટર પાસે લઈ જાઓ તો એ તેને ફરી ફિટ કરી શકે છે. તેના માટે તુટેલા દાંતને પાણીથી ધોઈને તેને ગાલ અને જીભની વચ્ચે રાખવા માટે બાળકને આપો, જેવી રીતે ચોકલેટ રાખે છે, જેથી તે સુકાઈ ન જાય. ત્યાર પછી તરત જ ડોક્ટર પાસે પહોંચી જાઓ.
આ ટેવ દાંતને રાખશે તંદુરસ્ત
• ખાટી વસ્તુ ખાધા પછી 30 મિનિટ સુધી બ્રશ ન કરો
લો પીએચ (pH) ધરાવતા ભોજન એટલે કે એસિડિક ફૂડ્સ જેમ કે ખાટા ફળ અને જ્યુસ, ટામેટા, સોડા વગેરેનું સેવન કર્યા પછી થોડા સમય સુધી દાંતનું ઈનેમલ પડ નરમ પડી જાય છે. આથી તાત્કાલિક બ્રશ કરવાથી નુકસાન પહોંચી શકે છે. એટલે 30થી 60 મિનિટ પછી બ્રશ કરવું જોઈએ.
• 45 ડિગ્રી એન્ગલ પર પાછળથી દાંતની સફાઈ શરૂ કરો
મોઢાને ચાર ભાગમાં માનીને તેને ટોપ લેફ્ટ, ટોપ રાઈટ, બોટમ લેફ્ટ અને બોટમ રાઈટમાં વહેંચો. બ્રશ અડધું મસોડા પર અને અડધું દાંત પર હોવું જોઈએ. પ્રત્યેક સેક્શનમાં લગભગ 30 સેકન્ડ સુધી સફાઈ કરો.
• કાચા અને રેસાવાળાં ફળ પણ દાંતની સફાઈ કરે છે
કાચા અને રેસાવાળા ફળ, જેમ કે કાકડી, સફરજન, નાસપતી, ગાજર, કોબિજ વગેરે દાંતની સપાટીને સ્ક્રબ કરે છે. તેનાથી દાંત પર ચોંટેલો પ્લાન્ક નીકળી જાય છે. આ ફળોને ચાવવામાં પણ સમય લાગે છે, એટલે ઘણી લાળ બને છે, જે એસિડની અસરને નાબૂદ કરે છે. તેનાથી દાંત ખરાબ થતાં બચે છે.