નવી દિલ્હીઃ જો માતા-પિતાની દૃષ્ટિ નબળી હોય તો તેમના સંતાનોની દૃષ્ટિ પણ નબળી રહેશે તેવી સામાન્ય માન્યતા છે. મતલબ કે જો માવતરને આંખમાં ચશ્માં હોય તો તેમનાં સંતાનોને પણ ચશ્માં આવશે જ તેવું માનવામાં આવે છે. જોકે આ વાત સાચી નથી. હકીકત તો એ છે કે ચશ્માના નંબરનો સંબંધ ઘણી હદ સુધી તમારા ખાન-પાન, તમારી જીવનશૈલી અને તમારી આદતો અથવા તો ટેવો સાથે જોડાયેલી છે અને આંખની દૃષ્ટિ નબળી પડવાને એક રીતે કહીએ તો માતા-પિતાની નબળી દૃષ્ટિ સાથે કોઈ લેવા-દેવા નથી.
આંખના નિષ્ણાત તબીબો કહે છે કે માતા-પિતાની દૃષ્ટિ નબળી હોવાનો અર્થ બિલકુલ એવો નથી થતો કે તેમના સંતાનોની દૃષ્ટિ પણ નબળી જ રહેશે. હા, ગ્લૂકોમા અને માયોપિયા (દૂર સુધી જોવા માટેના ચશ્મા પહેરવા) જેવી બાબતો જેનેટિક સમસ્યા હોઈ શકે છે. ૨૦૦ કરતાં પણ વધારે એવા જીનની શોધ કરી લેવામાં આવી છે જેઓ માયોપિયાની સમસ્યા થવા માટે કારણરૂપ છે. આ સંજોગોમાં માતા-પિતા પૈકી કોઈ એક અથવા બન્નેની નજર નબળી હોય તો બાળકો પર તેમની અસર પડવાની આશંકા વધી જાય છે. તાઇવાનમાં ૮૪ ટકા સ્કૂલના બાળકોને ચશ્મા પહેરવાની જરૂર પડે છે. જ્યારે ભારતમાં આવા બાળકોની ટકાવારી પાંચ ટકા જ છે. આપણે ઘણી વખત જોઇએ છીએ કે માતા-પિતાની આંખો સારી, નંબર ન હોય તો પણ તેમના સંતાનોને ચશ્મા આવી જતાં હોય છે. ગ્રામીણ બાળકોની તુલનામાં શહેરી બાળકોની આંખો વધારે નબળી જોવા મળી છે. તેનું કારણ વીડિયો ગેમ, મોબાઈલ, સતત અભ્યાસ કે વાંચન અને ઘણી હદ સુધી લાઇફસ્ટાઇલ પણ જવાબદાર છે. જો માતા-પિતા નિયમિત રીતે સંતાનોની આંખોની તપાસ કરાવીને તેમને દૃષ્ટિ સંબંધિત તકલીફોથી બચાવી શકે છે.