લંડનઃ બ્રિટિશ સરકારે લોકોની સ્થૂળતાની સમસ્યા દૂર કરવા પિઝાની સાઇઝ ઘટાડવાની યોજના ઘડી છે. સરકાર દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર પિઝામાં કેલરી ઘટાડવા માટે તેના પર ટોપિંગ (ચીઝ, કોર્ન, વેજિટેબલ) ઘટાડવું પડશે. લોકોના સારા સ્વાસ્થ્ય માટે પિઝામાં કેલરી ૯૨૮થી વધુ ન હોવી જરૂરી છે.
જાણીતી રેસ્ટોરાંઝને તેમની ફૂડ આઇટમ્સની કેલરી ઘટાડવા અપીલ કરાઈ છે. પબ્લિક હેલ્થ મિનિસ્ટર સ્ટીવ બ્રાઇને કહ્યું હતું કે સરકાર દેશના બાળકોને કોઈ પણ ભોગે સ્વસ્થ રાખવા ઇચ્છે છે, કેમ કે જંક ફૂડ ખાવાનું વધવાના કારણે બાળકોમાં સ્થૂળતાનું પ્રમાણ વધી રહ્યું છે. બાળકોમાં વધતા સ્થૂળતાના દરને વર્ષ ૨૦૩૦ સુધીમાં ઘટાડવાનું સરકારનું લક્ષ્ય છે, જેના ભાગરૂપે વિવિધ પગલાં લેવાઈ રહ્યાં છે.
પબ્લિક હેલ્થ બ્રિટનનું કહેવું છે કે બાળકોમાં સ્થૂળતાની બીમારી વધી છે. છેલ્લા ૧૦ વર્ષમાં એક તૃતીઆંશ બાળકો સ્થૂળતાનો શિકાર બન્યા છે. પ્રાઇમરી સ્કૂલ છોડ્યા બાદ પાંચમાંથી એક બાળક સ્થૂળતાનો શિકાર હોવાનું જણાયું છે. બ્રિટનના અંદાજે ૨૪ હજાર બાળકો ભયંકર સ્થૂળતાથી પીડિત છે. સરકારનું લક્ષ્ય ભોજનમાં કેલરી ૨૦ ટકા સુધી ઘટાડવાનું છે.