લંડનઃ બ્રિટિશ બાળકો અને વયસ્કોમાં સ્થૂળતાની સમસ્યા વકરી રહી છે ત્યારે લંડનની ક્વીન મેરી યુનિવર્સિટીના સંશોધકોએ દાવો કર્યો છે કે બાળકોનાં નાસ્તાના એક બાઉલમાં ૫ બિસ્કિટ જેટલી ખાંડ હોય છે. બાળકો માટેના કહેવાતા પૌષ્ટિક ૧૨૬ ઉત્પાદનોના વિશ્લેષણમાં માત્ર બે પ્રોડક્ટ જ માપદંડ મુજબની હતી જ્યારે ૯૨ ટકા ઉત્પાદનોમાં ખાંડ અને ૬૦ ટકામાં મીઠાંનું પ્રમાણ જરુરિયાતથી વધારે જોવાં મળ્યું હતું.
બાળકોને પૌષ્ટિક ભોજન આપવા રોજ સવારે આપણે એક ગ્લાસ દૂધ સાથે તેમને સીરિયલ્સ એટલે કે અનાજમાંથી બનેલી ચીજ કે કોર્નફ્લેક્સ વગેરે આપીએ છીએ. આ નાસ્તાના એક બાઉલમાં ૫ બિસ્કિટ જેટલી ખાંડ હોય હોવાનો દાવો લંડનની ક્વીન મેરી યુનિવર્સિટીના સંશોધકોએ કર્યો છે. સંશોધકોએ બાળકો માટે બનાવેલાં ૧૨૬ ઉત્પાદનોનું વિશ્લેષણ કર્યું હતું જેમાં, ફક્ત બે ઉત્પાદન પૌષ્ટિકતાને લગતા માપદંડમાં ખરાં ઉતર્યા હતાં.
આ સંશોધન રિપોર્ટમાં કહેવાયું છે કે બાળકો માટે ખાસ બનાવટની ૯૨ ટકા સીરિયલ્સમાં ખાંડનું પ્રમાણ જરુરિયાતથી વધારે હોય છે અને તેમાં અડધાથી વધુ સીરિયલ્સચોકલેટ ફ્લેવરના છે. રિપોર્ટમાં આ ઉત્પાદનો પર તાત્કાલિક ધોરણે પ્રતિબંધ મૂકવાની ભલામણ કરાઈ હતી જેથી, બાળકોને ખાંડની આદતથી બચાવીને સ્થૂળતા અને ડાયાબિટીસના જોખમથી બચાવી શકાય.
વિશ્વભરના દેશોમાં અનેક માતાપિતા જે ચીજવસ્તુઓને પૌષ્ટિક માને છે તેમાં માલ્ટ-ઓ-મીલનો માર્શમેલો મેટ્સ પણ છે. તેના ૩૦ ગ્રામના બાઉલમાં ૧૨ ગ્રામ ખાંડ એટલે કે આશરે છ બિસ્ટિકટમાં હોય એટલા પ્રમાણમાં ખાંડ હોય છે. આ ઉપરાંત, અનેક પ્રતિષ્ઠિત કંપનીઓના ચોકલેટ ફ્લેવરના સીરિયલ ક્રેવના એક બાઉલમાં ૮.૭ ગ્રામ ખાંડ હોય છે. અન્ય એક ઉત્પાદન ફ્રોસ્ટિઝના ૩૦ ગ્રામમાં ખાંડનું પ્રમાણ ૧૧ ગ્રામ જણાયું છે. સંશોધન મુજબ ૬૦ ટકા સીરિયલ્સમાં મીઠાનું પ્રમાણ વધુ કે મધ્ય સ્તરનું છે, જ્યારે ૫૦ ટકામાં ફાઈબરનું પ્રમાણ ઓછું છે. ફક્ત બે ઉત્પાદનો જ બાળકો માટે સારાં ગણાયાં છે.
૩૦માંથી ૧૦ બાળકો સ્થૂળતાનો ભોગ
બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસના મતે, ૭-૧૦ વયજૂથનાં બાળકોને ૨૪ ગ્રામથી વધુ ખાંડ ના આપવી જોઈએ ૫૦ ટકા ખાંડની જરુરિયાત તો નાસ્તામાંથી મળી જાય છે. દિવસભરના ભોજન અને પીણાં થકી શરીરમાં ખાંડ અને મીઠાનું પ્રમાણ વધી જવાથી બાળકોમાં સ્થૂળતા વધી રહી છે. એક્શન ઓન સુગરના કેમ્પેઈનના ડાયરેક્ટર કેથરિન જેનર અનુસાર પ્રાઈમરી ક્લાસમાં અભ્યાસ પૂર્ણ કરનારા ૩૦માંથી ૧૦ બાળકો સ્થૂળતાનો ભોગ બને છે. વધુપડતાં વજનની આ સમસ્યા સામે લડવાનો અંદાજિત ખર્ચ આશરે રુપિયા ૨.૭૯ લાખ કરોડ છે. એટલે ફૂડ કંપનીઓને પૌષ્ટિક ફૂડપેકેટ આપવા માટે મજબૂર કરવી જોઈએ.