વોશિંગ્ટનઃ બપોરની થોડીક વારની ઊંઘ બાળકોમાં ખુશાલી લાવવામાં તેમ જ તેમનું વર્તન અને શૈક્ષણિક દેખાવ સુધારવામાં મદદરૂપ થાય છે. કેલિફોર્નિયા યુનિવર્સિટીના સંશોધકોએ ગ્રેડ - ૪, ૫ અને ૬નાં ૧૦થી ૧૨ વર્ષની વયના ૩૦૦૦ જેટલા બાળકો પર આ અભ્યાસ કર્યો હતો.
આ અભ્યાસ લેખ જર્નલ ‘સ્લીપ’માં પ્રકાશિત થયો છે. જેમાં દર્શાવાયું છે કે બપોરની ઊંઘ અને ખુશાલીમાં વધારો, સેલ્ફ કન્ટ્રોલ વધારવા, કેટલીક વર્તણૂક સંબંધિત સમસ્યાઓ દૂર કરવા વચ્ચે સંબંધ છે. યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયાના એડ્રિયાન રેઇને કહ્યું હતું, ‘જે બાળકો સપ્તાહમાં બપોરે ૩ કે વધુ વખત ઊંઘ લે છે તેઓનું ગ્રેડ - ૬માં શૈક્ષણિક પ્રદર્શન ૭.૬ ટકા સુધર્યું હતું.’
બાળકોમાં રાત્રે ઊંઘ ન આવવાની સમસ્યા અને દિવસે ઊંઘ આવવાની સમસ્યા મોટા પ્રમાણમાં જોવા મળે છે. દિવસે ઊંઘે આવવાની સમસ્યા ૨૦ ટકા બાળકોમાં જોવા મળતી હોવાનું એસોસિએટ પ્રોફેસર જિયાંગહોંગ લિયુએ કહ્યું હતું. આ ઉપરાંત નબળી ઊંઘના લીધે સંવેદનાત્મક અને શારીરિક અસરો પણ જોવા મળે છે. સંશોધકોએ ચીનના ડેટાનો પણ અભ્યાસ કર્યો હતો, જ્યાં બાળકોને બપોરે ઊંઘવા દેવામાં આવે છે.