લંડનઃ પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ (PHE) દ્વારા તાજેતરના સર્વેના તારણો મુજબ યુકેમાં બાળકો દર વર્ષે આશરે વધારાના ૨૮,૦૦ સુગર ક્યૂબ્સનો વપરાશ કરે છે. સર્વે અનુસાર ૧૦ વર્ષના બાળકો ૧૮ વર્ષના બાળકો ખાતા હોય તેટલી ખાંડનો વપરાશ કરે છે. તાજા આંકડા મુજબ ૧૦થી ૧૧ વયજૂથના બાંગલાદેશી, પાકિસ્તાની અને ભારતીય બાળકો અનુક્રમે ૪૪.૩ ટકા, ૪૦.૬ ટકા અને ૩૬.૭ ટકા વધુ સ્થૂળ હોવાની શક્યતા રહે છે. સાઉથ એશિયન પરિવારો ખાંડ લેવાનું પ્રમાણ ઘટાડે અને બાળકોમાં સ્થૂળતાની સમસ્યાને હલ કરી શકે તેમાં મદદ કરવાનું ‘Change4Life’ કેમ્પેઈનનું ધ્યેય રહ્યું છે.
પરિવારોને બાળકોમાં ખાંડ લેવાનું પ્રમાણ ઘટાડવા ‘Change4Life’ ‘શોપિંગ કરવા જાઓ ત્યારે અદલાબદલી કરો’ના સૂત્ર દ્વારા પ્રોત્સાહન આપે છે. પેરન્ટ્સ ખાંડના બેમાંથી અડધા ક્યૂબ્સ સુધી પ્રમાણ ઘટાડવા ખાંડવાળાં પ્રવાહી પીણાના બદલે ખાંડ ઉમેર્યાં વિનાના જ્યૂસ ડ્રિન્ક લેવાનો પ્રયાસ કરી શકે છે. આ ઉપરાંત, તેઓ પ્રતિ બાઉલ ખાંડના ત્રણમાંથી અડધા ક્યૂબ્સ સુધી પ્રમાણ ઘટાડવા હાઈ સુગર બ્રેકફાસ્ટ સીરીયલના સ્થાને લોઅર સુગર સીરીયલ ખરીદી શકે છે તેમજ હાઈ સુગર યોગર્ટના બદલે ઓછી ખાંડવાળા યોગર્ટનો ઉપયોગ કરી શકે છે જેથી તેમનું સુગર લેવાનું પ્રમાણ છ ક્યૂબથી ઘટાડી ત્રણ ક્યૂબ સુધી કરી શકાય. આવું જ અન્ય આદતો માટે પણ કરી શકાય છે.
ઘણી કંપનીઓએ તેમના યોગર્ટ, બ્રેકફાસ્ટ સીરીયલ અને જ્યીસીસ જેવા ઉત્પાદનોમાં સુધારાઓ કર્યા છે, જેથી પરિવારો માટે આવી અદલાબદલીમાં સરળતા પણ રહે છે. ચોકોલેટ, પુડિંગ્સ, મીઠાઈઓ, કેક્સ અને પેસ્ટ્રીઝના સ્થાને વધુ તંદુરસ્ત વિકલ્પો જેવાં કે માલ્ટ લોફ, સુગર-ફ્રી જેલીઝ, ઓછી ખાંડના કસ્ટાર્ડ્સ અને રાઈસ પુડિંગ્સ લેવાથી તેમનું ખાંડ લેવાનું પ્રમાણ હજુ ઘટાડી શકાય છે.
PHE ખાતે કેમ્પેઈન ન્યૂટ્રિશિનિસ્ટ ઓર્લા હ્યુગનીઓટ કહે છે,‘વધુપડતા વજનના કે મેદસ્વી બાળકો પુખ્ત વયના થાય ત્યારે ભારે વજનના અથવા જાડાં બને તેમજ હૃદયરોગો અને કેટલાક કેન્સરનું જોખમ વધે તેવી શક્યતા વધુ રહે છે અને સામાન્ય માણસોની સરખામણીએ તેમને ટાઈપ ટુ ડાયાબિટીસ થવાનું પ્રમાણ વધારે રહે છે. તેઓ જોરજુલમનો શિકાર વધુ બને તેમજ સ્વાભિમાન પણ નીચું રહે છે. વધુ પડતી ખાંડના કારણે દાંતમાં પીડાજનક સડો પણ થઈ શકે છે.’
ન્યૂટ્રિશિનિસ્ટ અઝમીના ગોવિંદજી કહે છે કે,‘લોકપ્રિય પારંપરિક ખોરાકમાં ખાંડનું પ્રમાણ જાણી તે મુજબ આહારમાં ફેરફાર કરીએ તે એક કોમ્યુનિટી તરીકે સમજવું મહત્ત્વપૂર્ણ છે. બાળકોના આહારમાં પેરન્ટ્સ અને ગ્રાન્ડપેરન્ટ્સ પણ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.’
શેફ અને લેખિકા અંજુલા દેવીએ કહ્યું છે કે,‘મોટાભાગના સાઉથ એશિયન પરિવારોમાં વેસ્ટર્ન અને પારંપરિક આહારનું મિશ્રણ રહેવાથી ખાંડવાળા ઉત્પાદનોનો વધુ વપરાશ રહે છે. હું રસોઈમાં ખાંડ અને મીઠાંનું પ્રમાણ ઘટાડવાનો તેમજ ઓછી ચરબી-તેલ/ ખાંડના ઉત્પાદનોનો ઉપયોગ કરું છું.’ પરિવારોને દુકાનોમાં Change4Life ‘ગુડ ચોઈસ’ બેજ પર ધ્યાન આપવા તેમજ ઓછી ખાંડના વિકલ્પો શોધવામાં સરળતા રહે તે માટે ફ્રી ફૂડ સ્કેનર એપ ડાઉનલોડ કરવાં અથવા Change4Life સર્ચ કરવાને પ્રોત્સાહિત કરવામાં આવે છે.