એડિનબરા: જો તમે ઇચ્છો છો કે તમારા બાળકનું મગજ મોટી ઉંમર સુધી તેજ રહે તો તમે તેને કોઇ સંગીતનાં સાધનો જેમ કે પિયાનો, તબલાં, વાયોલિન કે પછી અન્ય કોઇ વાજિંત્રની તાલીમ આપવાનું શરૂ કરો. સંશોધકોએ મગજને લાંબા સમય સુધી તેજ રાખવા અને મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવા વચ્ચેના સંબંધ અંગે રિસર્ચ કરીને આ તારણ આપ્યું છે. યુનિવર્સિટી ઓફ એડિનબરા દ્વારા કરાયેલા રિસર્ચમાં સામે આવ્યું છે કે જે લોકો બાળપણમાં કોઇ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડે છે તેમનું મગજ લાંબા સમય સુધી વધુ તેજ રહે છે. વિકટ પરિસ્થિતિમાં જલદી હાર માનતા નથી. સમજીવિચારીને જોખમ લેવાની ક્ષમતા વધુ હોય છે. ‘સાઇકોલોજિકલ સાયન્સ’માં પ્રકાશિત રિસર્ચ માટે સંશોધકોએ 70 વર્ષથી વધુ વયના 366 વૃદ્વો પર રિસર્ચ કર્યું. તેમાંથી 117 લોકો એવા હતા, જેમણે બાળપણમાં અથવા કિશોરાવસ્થામાં વાયોલિન, પિયાનો, ગિટાર અથવા કોઇ અન્ય મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવાનો અનુભવ હતો. સ્ટડી દરમિયાન આ લોકોને ગણિત, રિઝનિંગ અને અધ્યાત્મથી જોડાયેલા સવાલો પૂછાયા હતા. પરિણામમાં જણાયું કે જે લોકોએ બાળપણમાં સંગીતનું કોઇ વાજિંત્ર વગાડવાનું શીખ્યું હતું, તેમની માનસિક ક્ષમતા બાળપણમાં સંગીતનું કોઇ સાધન ન શીખનારા લોકોથી વધુ હતી. સંગીતનું સાધન શીખનારા લોકોમાં તર્કક્ષમતા તેમજ વાતચીતમાં શબ્દોની પસંદગી પણ અન્ય લોકો કરતાં વધુ હતી.
નેપિયર યુનિવર્સિટીમાં સાઇકોલોજીના પ્રોફેસર જૂડિથ ઓક્લેએ પરિણામો જણાવતા કહ્યું કે જ્યારે તમે કોઇ માનસિક રીતે વધુ પડકારજનક કામ જેમ કે સંગીતના સાધનને વગાડવાનું કામ કરો છો તો તમારી વિચારવાની ક્ષમતા વધે છે.