લંડનઃ બાળપણમાં બુલિંગ એટલે કે બદમાશીનો ભોગ બનેલા યુવાઓના ડિપ્રેશનમાં જવાનું જોખમ વધારે રહે છે. એક તબીબી અભ્યાસમાં આ વાત જાણવા મળી છે. સંશોધકો માને છે કે આ યુવાઓમાં ડિપ્રેશનનું કારણ આનુવંશિક (જીનેટિક) પણ હોઈ શકે છે. બ્રિસ્ટલ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ શોધમાં ૩૩૨૫ ટીનેજરને સામેલ કર્યા હતા અને તેમને અપાયેલા પ્રશ્નોના જવાબોના આધારે તેમના મૂડ અને ભાવનાઓને સમજ્યા હતા.
વિજ્ઞાનીઓએ નોંધ્યું હતું કે જે બાળકોએ બાળપણમાં પોતાની આજુબાજુ રોફ જમાવનારાં બાળકો જોયા છે, તેમની બદમાશીનો ભોગ બન્યા છે તેમના માનસપટ પર યુવાની કાળ દરમિયાન ઊંડી નકારાત્મક અસર જોવા મળી છે. જે યુવાઓ તણાવ અને ડિપ્રેશનનો શિકાર બન્યા છે તેના મૂળમાં બુલિંગની સાથે સાથે તેમની માતાની તણાવગ્રસ્ત જીવનશૈલી પણ કારણભૂત જોવા મળી હતી.
ઓળખ નક્કી કરવામાં મદદ
વિજ્ઞાની એલેક્સ ક્વોંગે જણાવ્યું કે અમે જાણીએ છીએ કે વ્યક્તિ ડિપ્રેશનનો સૌથી પહેલો અનુભવ ટીનએજ દરમિયાન કરે છે, પરંતુ અમે એ નહોતા જાણતા કે સમય બદલવાની સાથે તેનો પ્રભાવ લોકો પર કેવી રીતે પડે છે. આ સંશોધનના પરિણામથી અમને એ જાણવામાં મદદ મળશે કે ક્યા બાળકોને ટીનેજમાં ડિપ્રેશનમાં જવાના વધારે ચાન્સ રહે છે. બાળપણમાં તેની સાથે થયેલા બુલિંગથી લઇને માતાના તણાવ વિશે જાણકારી મેળવીને જે તે વ્યક્તિમાં ડિપ્રેશન આવી શકે છે કે નહીં તે જાણી શકાય છે. આવા લોકોની આગોતરી ઓળખ કરીને તેમની સારવાર પણ જલદી શરૂ કરી શકાય છે.