લંડનઃ પ્રૌઢ વયના ડ્રાઇવર્સ માટે ચિંતાજનક કહેવાય તેવી ચેતવણી આપતા વિજ્ઞાનીઓએ કહ્યું છે કે પ્રતિદિન બે કલાકથી વધુ સમય ડ્રાઇવિંગ કરવાથી આઇક્યુ ઘટે છે. તાજેતરના અભ્યાસ મુજબ બે કલાકથી વધુ સમય ડ્રાઇવિંગ કરવાથી મગજ પર વૃદ્ધત્વની અસર વધે છે. ૩૭થી ૭૩ વયજૂથના પાંચ લાખ લોકો પર પાંચ વર્ષ સુધી થયેલા અભ્યાસમાં લાંબી કાર સફર કર્યા પછી મગજ ઓછું સક્રિય રહેતું હોવાનું જણાયું હતું. પાંચ લાખ લોકો પૈકી ૯૩,૦૦૦ લોકો દિવસ દરમિયાન બે કલાક કરતાં વધુ ડ્રાઇવિંગ કરતા હતા.
તારણો અનુસાર વધુ સમય કાર ડ્રાઇવ કરનારાની માનસિક ક્ષમતાઓ ઘટતી જતી હતી. ખાસ કરીને જે પ્રૌઢ લોકો રોજ બે કલાક કરતાં વધુ ડ્રાઇવ કરતાં હોય છે. તેમની બૌદ્ધિક ક્ષમતા ઝડપથી ઘટતી હોય છે. સંશોધકોનું કહેવું છે કે જે લોકો પોતાની માનસિક ક્ષમતાઓને બચાવવા માગતા હોય તેમણે રસ્તા પર ઓછામાં ઓછું ડ્રાઇવિંગ કરવું જોઈએ.