અપાયાઓ (ફિલિપાઇન્સ)ઃ તમે કદાચ હોલિવૂડની ‘વેરવુલ્ફ’ (Werewolf) ફિલ્મ જોઈ હશે જેમાં હીરોના ચહેરા અને હાથ સહિત તમામ અંગો લાંબા વાળથી ભરાયેલા હોય છે. ફિલ્મ નિહાળી કોઇને પણ એમ લાગે કે આ તો નરી કલ્પના માત્ર છે, પરંતુ હકીકત એ છે કે સાચી જિંદગીમાં પણ કેટલાક લોકો આવી હાલતથી પીડાતા હોય છે. અબજે એકાદ વ્યક્તિમાં જોવા મળતી આ બીમારીને વેરવુલ્ફ સિન્ડ્રોમ અથવા હાઈપરટ્રાઈકોસિસ (Hypertrichosis) નામથી ઓળખવામાં આવે છે.
ફિલિપાઈન્સના અપાયાઓ પ્રોવિન્સમાં જારેન ગામોન્ગાન નામનો બે વર્ષનો બાળક આવી જ બીમારીથી પીડાય છે અને વિશ્વમાં સૌથી વધુ વાળ ધરાવતા બાળક તરીકે ઓળખાય છે. તેનો જન્મ થયો ત્યારે માથા, ચહેરા, ગરદન, પીઠ અને હાથ સહિતના શરીર પર રીંછ જેવા જથ્થાબંધ વાળ હતા. આ તબીબી વિકૃતિ લગભગ એક બિલિયન બાળકોમાં એકાદને જ થતી હોય છે જેમાં જારેનનો સમાવેશ થઈ ગયો છે.
આ બાળકની માતા એલ્માને એવો વહેમ છે કે તેણે ગર્ભાવસ્થા દરમિયાન જંગલી બિલાડીનું માંસ ખાધું હોવાથી જારેનની આવી હાલત છે. જોકે, આમ થઈ શકે તેવો કોઈ તબીબી પુરાવો મળતો નથી. હાઈપરટ્રાઈકોસિસ કલ્પનામાં ન આવે તેવી જિનેટિક વિકૃતિ છે અને મધ્ય યુગથી અત્યાર સુધીમાં માત્ર 50થી 100 કેસ જ નોંધાયા છે.
એલ્માના ત્રણ બાળકોમાંથી માત્ર વચેટ જારેન જ અલગ દેખાય છે. ગરમ હવામાન હોય ત્યારે તેના શરીર પર લાલ ચાઠાં પણ પડી જાય છે તેથી ગરમીમાં તેને વારંવાર સ્નાન કરાવાય છે. તેના વાળ કાપવાનો પ્રયાસ પણ કર્યો હતો પરંતુ, નવા આવતા વાળ વધુ લાંબા અને જાડા હોવાથી તેના વાળ કાપવાનું હવે બંધ કરી દેવાયું છે. હાલ તો જારેન ઘર અને બહાર રમે છે પરંતુ, તે શાળાએ જતો થશે ત્યારે શું થશે તેની ચિંતા માતાને સતાવે છે. તેનો દેખાવ અલગ હોવાના કારણે તેના પર ત્રાસ પણ ગુજારાઈ શકે છે. જોકે, લેસર ટ્રીટમેન્ટ દ્વારા વાળ દૂર કરવાથી થોડી રાહત મળવાની શક્યતા છે. એલ્મા કહે છે કે ચારથી છ સપ્તાહમાં 10 જેટલાં લેસર સેશન કરીને શું પ્રગતિ થાય છે તે જોઈશું.
સારવાર નથી તેવી બીમારી
ડર્મેટોલોજિસ્ટ ડો. રેલવિન્ડા સોરિઆનો પેરેઝના કહેવા મુજબ હાઈપરટ્રાઈકોસિસ દુર્લભ અને આનુવાંશિક કંડિશન છે જેની કોઈ સારવાર નથી. વેરવુલ્ફ સિન્ડ્રોમ અથવા હાઈપરટ્રાઈકોસિસ સ્ત્રી અને પુરુષ બંનેને જન્મ સમયે કે પાછળથી પણ થઈ શકે છે. માનવીને પણ પહેલા ગોરિલા કે ચિમ્પાન્ઝી જેવા વાળ વધારતા જિન્સ હતા પરંતુ, ઉત્ક્રાંતિની સાથે આ જિન્સ ‘શટ ડાઉન’ થઈ ગયા છે. જોકે, કદી કદી ગર્ભાવસ્થામાં જ બાળકમાં આ જિન્સ કાર્યરત થઈ જાય છે અને જારેન જેવા કિસ્સા જોવા મળે છે.