લંડનઃ મોટા ભાગના માતાપિતા એ વાતનો સ્વીકાર કરે છે કે બાળકો તેમનામાં તંગદિલી વધારે છે. હવે એ વાતનો પણ સ્વીકાર થયો છે કે બેથી વધુ બાળકો માતાની તંદુરસ્તીને નુકસાન પહોંચાડે છે. મહિલાને જેમ જેમ વધુ બાળક ધરાવતી થાય તેમ તેમ હૃદયરોગનું જોખમ વધતું હોય છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીએ કરેલા અભ્યાસના તારણમાં દાવો થયો છે.
એક કે બે બાળકોની તુલનાએ જે સ્ત્રી પાંચ કે તેથી વધુ બાળકો ધરાવતી હોય છે તેના કિસ્સામાં ૩૦ વર્ષમાં હૃદયરોગનું જોખમ વધી જતું હોય છે. સગર્ભાવસ્થા અને પ્રસૂતિની પીડા હૃદય પર તણાવ વધારે છે. વળી બાળકો માતાની તંગદિલી વધારે છે અને માતા પણ બાળકોનું બરોબર ધ્યાન રાખી શકતી નથી. કેમ્બ્રિજના ડો. ક્લેર ઓલિવર વિલિયમે આ સંશોધનનું નેતૃત્વ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે પ્રસૂતિ અને બાળજન્મ હૃદય પર ખૂબ દબાણ વધારે છે. તેમાંય બાળ ઉછેર પણ માનસિક તંગદિલીમાં ઉમરો કરે છે.
અહેવાલમાં જણાવાયું છે કે, ‘અમે નથી ઇચ્છતા કે લોકો રોજબરોજના જીવનમાં જે માનસિક તાણ અનુભવે છે તેમાં વધારો કરવામાં આવે, પરંતુ ઇચ્છી રહ્યા છીએ કે આમાં તેમને રાહત મળે. સંશોધકોએ ૪૫થી ૬૪ વર્ષની વયની અમેરિકાની ૮,૦૦૦ મહિલા પર આ અભ્યાસ કરીને આ તારણો જાહેર કર્યા હતા.