ડાયાબિટીસના દર્દીઓને વિવિધ પ્રકારના પ્રોબ્લેમ થતા હોય છે. જો મધુપ્રમેહના દર્દીઓને લાંબા સમય સુધી લોહીમાં શર્કરાનું ઊંચુ પ્રમાણ રહે અને તેનો જલદી ઉપચાર કરાવવામાં ન આવે તો દૃષ્ટિપટલ દોષ અથવા રેટિનોપેથી નામનો રોગ થવાની શક્યતા રહે છે. આ રોગ વધુ વકરે તો વ્યક્તિને અંધાપો પણ આવી શકે છે. લોહીમાં ગ્લુકોઝનું વધુ પ્રમાણ હોવાથી દૃષ્ટિપટલ કે રેટિનાની રક્તવાહિનીઓ અને કોષિકાઓ ક્ષતિગ્રસ્ત થઈ જવાની સમસ્યા સર્જાય છે. આ સમસ્યાને લીધે રેટિનાને આવશ્યક તત્ત્વોની ઊણપ વર્તાય છે.
જોકે પહેલાં તો આપણે એ સમજી લઇએ કે રેટિના એટલે શું? આંખના પાછલા ભાગમાં પ્રકાશ સામે એક સંવેદનશીલ પરદો હોય છે જેને રેટિના કહેવાય છે. જે દૃશ્ય આપણે જોઈએ છીએ તેનું પ્રતિબિંબ આંખોના રેટિના પર બને છે. રેટિના આ પ્રતિબિંબને વિદ્યુત સંકેતોમાં પરિર્વિતત કરીને ઓપ્ટિક નર્વ દ્વારા મગજના વિઝ્યુઅલ કોર્ટેક્સને પહોંચાડે છે. મસ્તિષ્ક બંને આંખોથી પ્રાપ્ત થયેલા આ સંકેતોને મિલાવીને એક થ્રી-ડાયમેન્શન (ત્રિ-આયામી) પ્રતિબિંબ તૈયાર કરે છે. આ થ્રી-ડી પ્રતિબિંબ જ આપણને દૂર રહેલી કોઈ પણ વસ્તુનો અનુભવ કરાવે છે. આમ રેટિના વિના આપણી આંખો મગજમાં કોઈ સંપર્ક કે સમન્વય કરી શકતી નથી. એટલે કે રેટિના વિના આપણે કોઈ પણ ચીજવસ્તુ જોઈ શકતા નથી.
ડાયાબિટીસથી રેટિનાની રક્તવાહિનીઓ ક્ષતિગ્રસ્ત થઈ જાય છે, જેને કારણે દૃષ્ટિમાં ખામી સર્જાય છે. તેમાં આગળ જતાં પ્રોલિફરેટિવ રેટિનોપેથી થવાની શક્યતા રહે છે. જેમાં રેટિના અને ક્યારેક ક્યારેક આંખના અન્ય ભાગોમાં નવી અસામાન્ય રક્તવાહિનીઓ બને છે. જો આ રક્તવાહિનીઓ આંખના કેન્દ્રમાં રહેલા સ્પષ્ટ દ્રવ્યમાં લોહી જમાવવા કરવા લાગે તો પ્રકાશ રેટિના સુધી પહોંચી શકતો નથી અને તેને કારણે દૃષ્ટિમાં ખામી સર્જાય છે. જો તે પોતે જ ધીરે ધીરે અવશોષિત થઈ જાય તો ફરીથી જે તે અવસ્થામાં પાછી આવી જાય છે. પરંતુ જો લોહીનું વહેવું સતત ચાલુ રહે તો સામાન્ય ઈલાજ કરવામાં ન આવે ત્યાં સુધી જોવામાં તકલીફ થાય છે, દૃષ્ટિમાં ધૂંધળું દેખાવા લાગે છે.
રેટિનોપેથી વધવાનાં કારણોમાં હાઇ બ્લડપ્રેશર (બીપી) તેમજ મૂત્રમાં એલ્બ્યૂમિન વિર્સિજત હોવું વગેરે મહત્ત્વનો ભાગ ભજવે છે. આ રોગને અવગણીને તેનો ઉપચાર કરવામાં ન આવે તો રેટિનાના પાછળના ભાગમાં નવી રક્તવાહિનીઓ સંકોચાઈ જાય છે અને તેને કારણે રેટિના આંખના પાછળના ભાગથી અલગ થઈ જાય છે તેને રેટિનલ ડિટેચમેન્ટ કહેવામાં આવે છે. જો આ રેટિનલ ડિટેચમેન્ટનો ઉપચાર સમયસર કરવામાં ન આવે તો વ્યક્તિને હંમેશાં માટે અંધાપો પણ આવી શકે છે. રેટિનાપેથીના કારણે મેક્યુલા, જે રેટિનાનો મધ્યમ ભાગ છે તે આપણી વાંચવાની દૃષ્ટિને નિયંત્રણમાં રાખે છે.
રેટિનાપેથીનું નિદાન
તમે તમારી આંખની તપાસ માટે કોઈ આઇ ક્લિનિકમાં જાઓ છો ત્યારે ત્યાં વિવિધ પદ્ધતિઓમાંથી કોઈ એક પદ્ધતિ દ્વારા નિદાન કરવામાં આવે છે. તમારી આંખોમાં દવા નાખીને કીકીનું વિસ્તરણ કરવામાં આવે છે અને ઓપેથેલ્મોસ્કોપથી તમારા રેટિનાની તપાસ કરવામાં આવશે. તેમાંથી પ્રકાશનું એક કિરણ તમારી આંખમાં નાખવામાં આવે છે જેથી કરીને આંખની પાછળના ભાગે રહેલી રેટિનાને બરાબર જોઈ શકાય. તબીબ એક સ્લિટ લેમ્પ અને માઈક્રોસ્કોપના માધ્યમથી પણ આંખની અંદરના ભાગને મોટો કરીને તેમાં જોઈ શકે છે.
જો રેટિનામાં પ્રોબલેમ હોય તો ડોક્ટર તમારી આંખનો લોરિસિન એન્જિગ્રામ કરશે. લોરિસિન નામની એક ડાઈ તમારા હાથમાં ઇંજેક્ટ કરવામાં આવશે, જેને તમારી આંખો સુધી પહોંચતાં થોડી જ સેકન્ડ લાગે છે. ટેકનિશિયન તમારા રેટિનાની કેટલીક તસવીરો પણ પાડશે. આ તસવીરોથી એ ખબર પડે કે તમારી આંખમાં કોઈ લીકેજ કે અસામાન્ય રક્તવાહિની તો નથી ને! તેનાથી તમારા તબીબને એ જાણ થશે કે આંખના કયા કયા ભાગમાં ઈલાજ કરવાની જરૂર છે. આંખમાં રહેલી નવી રક્તવાહિનીઓની સાચેસાચી ખબર પડે છે ત્યારે તેને લેસરના ઉપયોગ કરીને ઠીક કરવામાં આવે છે.
ડાયાબિટીસ રેટિનોપેથીનાં લક્ષણો
રોગની પ્રારંભિક અવસ્થામાં કોઈ ખાસ લક્ષણ જોવાં મળતાં નથી. ક્યારેક ક્યારેક વાંચતી વખતે કે ગાડી ચલાવતી વખતે કેન્દ્રીય દૃષ્ટિ ઝંખવાઇ જતી હોય એવું લાગે. રંગને ઓળખવામાં પણ મુશ્કેલી અનુભવાતી હોય એવું સતત લાગ્યા કરે અને નજરમાં ધૂંધળાપણું પણ લાગે. રક્તવાહિનીઓમાં લોહીનો સ્રાવ થવાને કારણે ઘણી વાર દૃષ્ટિમાં નાના નાના ધબ્બા કે હવામાં તરતા કણો દેખાતા હોય એવું લાગી શકે. જોકે આ સ્થિતિ એકાદ અઠવાડિયા કે મહિનામાં પાછી હતી તેવીને તેવી ઠીક થઈ જાય છે. તેનું અન્ય એક મહત્ત્વનું લક્ષણ એ પણ છે કે સંપૂર્ણપણે અંધાપો આવી શકે છે.
રેટિનોપેથીનો ઉપાયો
રેટિનોપેથીનો ઉપચાર લેસર સહિતની વિવિધ પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે. એ વાત ખાસ યાદ રાખવી કે સમયસર કરાવેલો ઉપચાર તમને અંધાપાથી બચાવી શકે છે. એવું માનવામાં આવે છે કે લેસર ઉપચારથી ૯૦ ટકા લોકોને ફાયદો થયેલો છે. જોકે હકીકત તો એ છે કે ચેતતો નર સદા સુખી. આવી સ્થિતિને ઉગતા પહેલાં જ ડામવા માટે સમયાંતરે આંખોની તપાસ કરાવવી ખાસ જરૂરી છે. આજકાલ ઉપચારમાં ગ્રીન લેસરનો ઉપયોગમાં વધુ પ્રમાણમાં કરવામાં આવે છે.
ગ્રીન લેસરને અતિઆધુનિક અને દર્દરહિત ઉપચાર માનવામાં આવે છે. પણ જો દર્દીને મોતિયાબિંદ હોય તો ગ્રીન લેસરથી ઉપચાર શક્ય બનતો નથી. મોતિયાવાળા દર્દીનો ઉપચાર રેડ લેસર દ્વારા કરવામાં આવે છે. આ ઉપચારમાં રોગીને બેભાન કરવામાં આવે છે. રોગીમાં બ્લડશુગરની વધઘટને કારણે ક્યારેક આંખો ફૂલી જાય છે અને ક્યારેક સંકોચાઈ પણ જાય છે અને તેને કારણે દૃષ્ટિમાં ધૂંધળાપણું આવે છે. ક્યારેક ક્યારેક ઇન્સ્યુલિન ચિકિત્સા શરૂ કરવાથી પણ આ તકલીફ થાય છે. જોકે આ એક સામાન્ય પ્રક્રિયા છે અને તેનાથી ડરવાનું કોઈ કારણ નથી. આ એક ક્ષણિક બાબત છે અને તેનાથી આંખને કોઈ નુકસાન થતું નથી.