મોસ્કોઃ મોસ્કો અને ચેક રિપબ્લિકના વિજ્ઞાનીઓએ એવી એન્ટી-બેક્ટેરિયલ બેન્ડેજ બનાવી છે, જે શરીરનો ઘા ભરીને ચામડી સાથે જ ભળી જશે. એટલું જ નહીં, બેન્ડેજ લગાવ્યા બાદ વારંવાર ડ્રેસિંગ પણ નહીં કરાવવું પડે. મોસ્કોની નેશનલ યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી તથા ચેક રિપબ્લિકની બ્રનો યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજીએ મળીને આ બેન્ડેજ તૈયાર કરી છે.
રિસર્ચર એલિજવેટાનું કહેવું છે કે આ બેન્ડેજને પોલીકાપરોલેક્ટોન નેનો-ફાઇબરથી બનાવાઈ છે. જેમાં જેન્ટામાઇસીન રહેલું છે અને તે જીવાણુઓને રોકવામાં મદદ કરે છે. આ બેન્ડેજ ધીમે ધીમે ઓગળીને ચામડીમાં ભળી જાય છે. તેનો ઉપયોગ કર્યાના ૪૮ કલાકમાં બેક્ટેરિયાની સંખ્યા ઝડપથી ઘટવા લાગે છે.
સંશોધકોનું કહેવું છે કે સામાન્ય રીતે શરીર પર ઘા પડવાની સ્થિતિમાં એન્ટીસેપ્ટિકનો ઉપયોગ કરવામાં આવે છે. તે ચેપ ફેલાવતા બેક્ટેરિયાને ખતમ કરવા સાથે શરીર માટે લાભકારક જીવાણુઓને પણ ખતમ કરે છે. ઘા પર વારંવાર ડ્રેસિંગથી પીડા થાય છે. જોકે આ બેન્ડેજથી અનેક તકલીફોનો અંત આવશે.