ન્યૂ યોર્કઃ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ)એ બેબી ફૂડ પ્રોડક્ટ્સમાં વધારાની સુગર પર પ્રતિબંધ મૂકવા હાકલ કરી છે. સંગઠને ચેતવણી ઉચ્ચારી છે કે બેબી ફૂડ પ્રોડક્ટ્સ તૈયાર કરતી કંપનીઓ માતા-પિતાઓને ગેરમાર્ગે દોરી રહી છે અને ઉત્પાદનોમાં વધારાની સુગર ભેળવી રહી છે, જે આરોગ્ય માટે નુકસાનકારક છે.
યુરોપમાં ઉપલબ્ધ હજારો બેબી પ્રોડક્સના પૃથક્કરણમાં જાણવા મળ્યું છે કે બેબી ફૂડની તમામ આઇટેમોમાં સુગરનું લેવલ ઊંચું હતું. આનાથી બાળકોના દાંતમાં સડો થવાની શકે છે અને મેદસ્વિતાનો ભોગ બનવાનો ખતરો રહેતો હોવાની ચેતવણી અપાઇ છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ૨૦૧૭-૧૮ના ત્રણ માસ દરમિયાન ઓસ્ટ્રેલિયા, બલ્ગેરિયા, ઈઝરાયલ અને હંગેરીના ૫૦૦ સ્ટોર્સમાં ઉપલબ્ધ ૮,૦૦૦ પ્રોડક્ટ્સની ચકાસણી કરી હતી. તેમાં જણાયું કે મોટા ભાગની બેબી પ્રોડક્ટ્સમાં ધાર્યા કરતા ઘણી વધારે સુગર હતી.
નિષ્ણાતો કહે છે કે કોઈ વ્યક્તિએ દિવસમાં કેટલી સુગર લેવી જોઈએ તેનો આધાર તેની ઉંમર પર છે. ચારથી છ વર્ષના બાળકોને પ્રતિ દિન ૧૯ ગ્રામથી વધારે સુગર ન આપવી જોઈએ. ૧૦ વર્ષના બાળકોના પેટમાં ૨૪ ગ્રામથી વધુ સુગર ન જાય તેનું ધ્યાન રાખવું જોઇએ. મોટા ભાગના જાણીતા સ્નેક્સ અને જંક ફૂડમાં મોટા પ્રમાણમાં સુગર હોય છે.