ચહેરા પર વધતી ઉંમરના સંકેત દેખાય નહીં તેના માટે આજકાલ બોટોક્સ ટ્રીટમેન્ટનું ચલણ ઝડપથી વધી રહ્યું છે. યુવતીઓ એકદમ યુવાન દેખાવાના મામલે એટલું માનસિક દબાણ અનુભવે છે કે તે હવે ૨૦થી ૨૫ વર્ષની ઉંમરમાં જ બેબી બોટોક્સ ટ્રીટમેન્ટ કરાવવા લાગી છે. ખાસ તો અમેરિકા અને બ્રિટનમાં આ બ્યૂટી ટ્રીટમેન્ટની માગ વધી રહી છે અને ભારતમાં આ ટ્રેન્ડ વેગ પકડી રહ્યો છે. અહીં બ્યૂટી એક્સપર્ટ્સ બેબી બોટોક્સ ટ્રીટમેન્ટ, તેની પ્રોસેસ, ફાયદા અને નુકસાન અંગે જણાવી રહ્યા છે.
બેબી બોટોક્સ ટ્રીટમેન્ટ શું છે?
આ ટ્રીટમેન્ટમાં ચહેરાના કરચલીવાળા ભાગમાં બોટુલિનમ ઈન્જેક્શનનો ડોઝ અપાય છે. તેનાથી ચહેરાની એ માંસપેશીને આરામ મળે છે, જેના સંકોચાવાથી કરચલી પડે છે. આ ટ્રીટમેન્ટથી ચહેરાની કરચલી ઘણી હદ સુધી ઘટી જાય છે. ટ્રીટમેન્ટની સમગ્ર પ્રોસેસને બોટોક્સ ટ્રીટમેન્ટ કહે છે. ૨૦થી ૨૫ વર્ષની ઉંમરમાં ચહેરા પર નહીં જેવી કરચલી હોય છે. જો કોઈ આ ઉંમરમાં ટ્રીટમેન્ટ કરાવે છે તો તેને બોટુલિનમ ઈન્જેક્શનનો નાનો-નાનો ડોઝ અપાય છે, એટલે જ તેને બેબી બોટોક્સ કહે છે. સામાન્ય બોટોક્સની તુલનામાં આ ટ્રીટમેન્ટમાં ખર્ચો ઓછો આવે છે.
ટ્રીટમેન્ટ માટે કઈ બાબતો જરૂરી છે?
ધ હેલ્થલાઈન જર્નલના રિપોર્ટ અનુસાર, જો કોઈ યુવતી બોટોક્સ ટ્રીટમેન્ટ લેવા માગે છે તો તેણે કેટલીક બાબતોનું અવશ્ય ધ્યાન રાખવું જોઈએ. જેમ કે, ટ્રીટમેન્ટ લેનારાને હાઈ બ્લડપ્રેશરની સમસ્યા, હિપેટાઈટિસ કે બ્લીડિંગ સંબંધિત કોઈ બીમારી ન હોય. જો તમને કોઈ હેલ્થ પ્રોબ્લેમ હોય તો બેબી બોટોક્સ ટ્રીટમેન્ટ લેતા પહેલા ડોક્ટરને તેની જાણ કરવી જરૂરી છે. જેથી તેઓ વિશેષ કાળજી લઇ શકે, અને તેમની ત્વચાને નુકસાન થતું ટાળી શકાય.