અનેક તબીબી સંશોધનના તારણ કરે છે કે આપણા મગજે સમગ્ર શરીરની કોશિકાઓના કામ કરવાનું એક ચોક્કસ ટાઇમટેબલ બનાવેલું છે. 24 કલાક દરમિયાન આ કોશિકાઓ એ ટાઇમટેબલ મુજબ જ કામ કરતી રહે છે, જેને ‘બોડી ક્લોક’ કહે છે. ચીનની પારંપારિક ચિકિત્સા પદ્વતિમાં પણ તેનું આગવું મહત્ત્વ છે. આજે જાણીએ આપણા શરીરની બોડી ક્લોક કેવી રીતે ક્યા સમયે ક્યું કામ કરે છે. આ બોડી ક્લોક સાથે શરીરનો તાલમેલ બેસાડીને તમે તંદુરસ્તી જાળવી શકો છો. અમેરિકામાં યાંગ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ટિગ્રેટિવ મેડિસિનના સંસ્થાપક ડો. જિંગડુઆન યાંગના અનુસાર પ્રત્યેક દિવસ એક વિશિષ્ટ લયનું પાલન કરે છે. દિવસનો પ્રત્યેક સમય વિશેષ અંગો સાથે સંકળાયેલો છે. સૃષ્ટિનો લય શરીરની આંતરિક ઊર્જા સાથે તાલમેલ બેસાડે છે. જો આપણે તેની સાથે તાલમેલ ન બેસાડીએ તો તેનું પરિણામ (બીમારી સ્વરૂપે) શરીરે ભોગવવું પડે છે.
શરીરનું ક્યુ અંગ કે ક્યો ભાગ ક્યારે સૌથી સક્રિય હોય છે?
• ફેફસાં - સવારે 3થી 5
આ સમયમાં ફેફસાં પૂર્ણ ક્ષમતા સાથે કામ કરે છે. આ સમય પ્રાણાયામ, યોગ અને કસરત માટે શ્રેષ્ઠ છે.
• મોટું આંતરડું - સવારે 5થી 7
શરીરમાંથી વેસ્ટ બહાર કાઢવા માટે આંતરડા સંપૂર્ણપણે તૈયાર હોય છે. આથી આ સમયે જાગી જાઓ.
• પાચન - સવારે 9થી 11
આ સમયે શરીર ભોજનને ઊર્જામાં તબદીલ કરવા માટે પૂર્ણ ક્ષમતા સાથે કામ કરે છે. આથી સારો અને સંતુલિત નાસ્તો કરો.
• હૃદય - સવારે 11થી બપોરે 1
આ સમયમાં હૃદયને ભરપૂર ઊર્જા મળે છે. ભોજન શરીરને વધુ ઊર્જા પૂરી પાડે છે. લંચનો આ યોગ્ય સમય છે.
• નાનું આંતરડું - બપોરે 1થી 3
આ સમયે નાના આંતરડા પોષક તત્વોને અવશોષિત કરે છે. મગજ સચોટ રીતે કામ કરે છે.
• બ્લેડર - બપોરે 3થી 5
આ સમયે બ્લેડર પૂર્ણ ક્ષમતા સાથે કામ કરે છે. ખુદને હાઈડ્રેટ રાખો અને ઝેરી તત્વોને બહાર કાઢવામાં શરીરની મદદ કરો.
• કિડની - સાંજે 5થી 7
કિડની માટે આ સર્વશ્રેષ્ઠ સમય છે. કસરત માટે પણ આ ઉચિત સમય છે. કિડનીને પોષણ આપતી વસ્તુઓ આરોગો.
• ફનટાઈમ - રાત્રે 7થી 9
હૃદયને સુરક્ષા પૂરી પાડતી જાળ પેરિકાર્ડિયમમાં સૌથી વધુ ઊર્જા હોય છે. આ સમયે ફન એક્ટિવિટી કરો. શરીરને સ્ટ્રેસથી બચાવે છે. હૃદય મજબૂત બને છે.
• બોડી રિચાર્જ - રાત્રે 9થી 11
આ સમય છાતી, પેટ અને પેલ્વિક માંસપેશીઓ ત્રણેયને ઊર્જા મળે છે. સમગ્ર શરીર રિચાર્જ અને રિઓર્ગેનાઈઝ થાય છે. આ સમય સુધીમાં ઊંઘવાની તૈયારી શરૂ કરી દો.
• ગોલબ્લેડર - રાતે 11થી 1
આ દરમિયાન તે પૂર્ણ ક્ષમતા સાથે કામ શરૂ કરે છે. પાચન, નજર, નિર્ણયક્ષમતા અને ઊંઘને સુધારે છે. આ ઊંઘ બહુ ફાયદાકારક હોય છે.
• લિવર - રાત્રે 1થી 3
આ સમયે લિવર શરીરને ડિટોક્સ કરવાનું કામ કરે છે. આ સમયે કંઈ પણ ન જમો. બસ, ભરપૂર ઊંઘ લો.