બ્રશ કર્યા વિના નાસ્તો નુકસાનકારકઃ બેક્ટેરિયા દાંતને નુકસાન કરતું એસિડ રિલીઝ કરે છે

Sunday 08th January 2023 08:21 EST
 
 

દરરોજ સવારે ઊઠીને નાસ્તો કરતા પહેલાં ટૂથબ્રશ કરવું જોઇએ કે પછી? આ સવાલ પર ડેન્ટિસ્ટોમાં પણ મતમતાંતર જોવા મળે છે. કોઇ પહેલાં બ્રશ કરવાની સલાહ આપે છે તો કોઇ વળી નાસ્તાની પહેલા.
નોર્થ કેરોલિના યુનિવર્સિટીમાં ડેન્ટિસ્ટ ડો. અપોઇના રિબેઇરો જણાવે છે કે સવારે મોંમાં સૌથી વધુ બેક્ટેરિયા હોય છે અને તેઓને કાર્બોહાઇડ્રેટ પસંદ હોય છે. મોટા ભાગના લોકો નાસ્તામાં બ્રેડ, મફિન અથવા પેનકેક વગેરે ખાય છે. તેમાં મોટા પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ હોય છે. જેને કારણે બ્રશ વગર નાસ્તો કરવાથી બેક્ટેરિયાને આમંત્રણ આપવા જેવું છે. બેક્ટેરિયાની સંખ્યા ઝડપથી વધે છે અને મોંમાં એસિડ રિલીઝ કરે છે જે દાંતની સુરક્ષા કરતા ઇનેમલને નુકસાન પહોંચાડે છે. પહેલાં બ્રશ કરવાથી બેક્ટેરિયા સાફ થઇ જાય છે અને પછી મોંમાં લાળ બનવાનું શરૂ થાય છે જે દાંતોની રક્ષા કરે છે. લાળ મોંમાં મિનરલ્સ એકત્ર કરે છે. તેમાં બાયકાર્બોનેટ પણ હોય છે જે એસિડિટી ઘટાડે છે. સાથે જ પેસ્ટમાં રહેલું ફ્લોરાઇડ દાંતોના ઇનેમલને મજબૂત કરે છે.
ચા-કોફી બાદ તરત જ બ્રશ કરવાનું ટાળો
મિશિગન સ્કૂલ ઓફ ડેન્ટિસ્ટ્રીના પ્રોફેસર ડો. કાર્લોસ ગોન્ઝાલ્વિસ અનુસાર અનેક લોકો યોગ્ય રીતે બ્રશ કરતા નથી. પરિણામે કેટલાક બેક્ટેરિયા મોંમાં જ રહી જાય છે. આ બેક્ટેરિયા દિવસભર દાંત પર રહીને તેને નુકસાન પહોંચાડતા રહે છે. નાસ્તા બાદ બ્રશ કરીને તેનાથી બચી શકાય છે. ડેન્ટિસ્ટ્રી પ્રોફેસર ડો. રોકિઓ ક્યૂંઓનેજ કહે છે કે દિનચર્યાના હિસાબે બ્રશ કરો. જોકે વિશેષજ્ઞ કહે છે કે નાસ્તામાં ચા-કોફી લીધા બાદ તરત જ બ્રશ કરવાનું ટાળવું જોઇએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter