નવી દિલ્હી: બ્રાઝિલમાં એક અજબગજબ કિસ્સો સામે આવ્યો છે. ૩૮ વર્ષના એક યુવાનને પડખામાં દુખાવો ઉપડયો હતો. ડોક્ટરોએ પીડાનું નિદાન કરવા સીટીસ્કેન કર્યું તો જણાયું કે તેના શરીરમાં ત્રણ કિડની છે. એટલું જ નહીં, ત્રણેય કિડની એક સરખી રીતે કાર્યરત છે. ભાગ્યે જ જોવા મળે એવા આ કિસ્સાથી ડોક્ટરો પણ આશ્વર્યચકિત થઇ ગયા હતા.
આ અહેવાલ ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસીનમાં પણ તાજેતરમાં પ્રકાશિત થયો હતો. રસપ્રદ બાબત એ હતી કે અગાઉ ક્યારેય એ યુવાનને પેટમાં કે પડખામાં દુખાવાની ફરિયાદ થઈ ન હતી. ૩૮ વર્ષ સુધી તેને સીટીસ્કેન કે સોનોગ્રાફી કરવાની જરૂર જ પડી ન હતી એટલે તેને ખબર જ પડી ન હતી કે તેના શરીરમાં ત્રણ-ત્રણ કિડની છે. ડોક્ટરોએ નોંધ્યું હતું કે તેના શરીરમાં કિડનીને લગતી બીજી કોઈ જ મુશ્કેલી નથી. ત્રણ કિડની હોવા છતાં ત્રણેય કિડનીની સાઈઝ પણ નોર્મલ છે. સામાન્ય રીતે આવા કિસ્સામાં એકાદ કિડની કામ કરતી હોતી નથી. અથવા તો તેની સાઈઝ નાની-મોટી હોય છે, પરંતુ આ યુવાનના કિસ્સામાં એવું પણ કશું જોવા મળ્યું ન હતું.
અત્યાર સુધી દુનિયામાં ત્રણ કિડનીના માત્ર ૧૦૦ જેટલાં જ કિસ્સા નોંધાયા છે. ૨૦૧૩માં ઈન્ટરનેટ જર્નલ ઓફ રેડિયોલોજીમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ પ્રમાણે દુનિયામાં માત્ર ૧૦૦ વ્યક્તિઓ એવી જન્મી છે કે જેના શરીરમાં ત્રણ કિડની હતી.