લંડનઃ આરોગ્ય અને લાઈફસ્ટાઈલ્સની આંતરરાષ્ટ્રીય સરખામણી કરતા YouGovહેલ્થ સર્વેમાં બ્રિટનને થાકેલા અને મેદસ્વી લોકોના દેશ તરીકે ચીતરવામાં આવ્યો છે. અન્ય દેશોના લોકોની સરખામણીએ બ્રિટિશરો ઓછી ઉંઘ લે છે, રમતો ઓછી રમે છે, ફળ-શાકભાજી ઓછાં ખાય છે અને વધુ પડતા સ્થૂળ હોવાનું નવા અભ્યાસમાં જણાવાયું છે. જોકે, બ્રિટિશરોમાં ધૂમ્રપાનનું પ્રમાણ ઓછું છે.
YouGovદ્વારા હાથ ધરાયેલા હેલ્થ સર્વેમાં આઠ દેશ યુકે, ફ્રાન્સ, ઈટાલી, સ્પેન, ચિલી, ઓસ્ટ્રેલિયા, તુર્કી અને યુનાઈટેડ આરબ એમિરેટ્સના 1000 લોકોને આવરી લેવાયા હતા અને તેમને આરોગ્ય અને જીવનશૈલી વિશે પૂછપરછ કરાઈ હતી. સર્વેમાં જણાયું હતું કે માત્ર 29 ટકા બ્રિટિશરો સપ્તાહમાં બે વખત રમતો રમે છે જે 43 ટકાની વૈશ્વિક સરેરાશ કરતાં ઘણું ઓછું છે. શાકભાજી અને ફળ વધુ ખાવાના સરકારી મેસેજીસને પૂરતો સહકાર મળતો નથી. સર્વે કરાયેલા અડધાથી વધુ બ્રિટિશરોએ સ્વીકાર્યું હતું કે તેઓ દરરોજ ફળ ખાતા નથી અને તેનાથી પણ વધુ (58 ટકા)એ અગાઉથી તૈયાર ફૂડ કે ભોજન સિવાય નિયમિત શાકભાજી ખાતા નહિ હોવાનું જણાવ્યું હતું. કદાચ ખાવાની ખરાબ આદતો અને નિષ્ક્રિયતાના કારણે બ્રિટિશરો અન્ય દેશોના લોકો કરતાં વધુ સ્થૂળ અને વજનદાર છે. યુકેના ત્રીજા ભાગના લોકોએ પોતાને સ્થૂળ અથવા ઓવરવેઈટ ગણાવ્યા હતા તેની સરખામણીએ માત્ર 20 ટકા સ્પેનિયાર્ડ્સ સ્થૂળ છે.
અન્ય લોકોની સરખામણીએ બ્રિટિશરો ઓછું ઉંઘે છે. બ્રિટિશરો કહે છે કે ઊંઘની સાત કલાકની આંતરરાષ્ટ્રીય સરેરાશની સામે તેઓ રાત્રે 6 કલાક અને 45 મિનિટની સરેરાશ ઉંઘ લે છે. આટલી બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી હોવા છતાં, બ્રિટિશરો બ્લડ પ્રેશર અને હૃદયના ધબકારાં પર દેખરેખ રાખવાનું કે કોલેસ્ટરોલના પરીક્ષણ કરાવવા પર ઓછું ધ્યાન આપે છે.
હૃદયરોગ અને સ્ટ્રોકના લીધે દર વર્ષે 18.6 મિલિયન લોકો મોતનો શિકાર બને છે. જોકે, તમાકુના વપરાશ, બિનઆરોગ્યપ્રદ આહાર અને શારીરિક નિષ્ક્રિયતા જેવા જોખમી પરિબળો પર કાબુ મેળવીને આમાંથી 80 ટકા મોતને ટાળી શકાય છે. 29 સપ્ટેમ્બરના વર્લ્ડ હાર્ટ ડે સંદર્ભે થયેલા આ સંશોધન અનુસાર ઓસ્ટ્રેલિયનો સિવાય અન્ય દેશોના નાગરિકોની સરખામણીએ બ્રિટિશરો ડિપ્રેશન અનુભવે તેની વધુ શક્યતા છે. આમ છતાં, માત્ર 15 ટકા બ્રિટિશરોની સરખામણીએ 48 ટકા તુર્કો અને 36 ટકા ઈટાલિયન્સ ધૂમ્રપાન કરે છે.