લંડનઃ બ્રિટનમાં પ્રવર્તી રહેલા ભારે હીટવેવ વચ્ચે કેન્સર રિસર્ચ યુકેએ ચેતવણી જારી કરી છે કે દેશમાં મેલાનોમા સ્કીન કેન્સરના કારણે મહિલાઓ કરતાં પુરુષના વધુ મોત થઇ રહ્યાં છે. તાજેતરના કેટલાંક વર્ષમાં સૂર્યપ્રકાશના કારણે ચામડીને થતા નુકસાનને પગલે મહિલા અને પુરુષમાં ચામડીના કેન્સરના કેસ વધી રહ્યા છે. કેન્સરનું નિદાન મોડું થવાના કારણે તેમાં મોત પણ થઇ શકે છે. જો મેલાનોમા કેન્સરનું શરૂઆતમાં જ નિદાન થાય તો તેની સારવાર શક્ય છે. કેન્સર રિસર્ચ યુકેએ લોકોને સૂર્યપ્રકાશમાં ચામડીની કાળજી લેવા અને ચામડીમાં કોઇ અસામાન્ય બદલાવ જણાય તો તાત્કાલિક તપાસ કરાવવા અપીલ કરી છે. સંસ્થા ચામડીના આ કેન્સર પર 1973થી ચાંપતી નજર રાખી રહી છે. આટલા વર્ષમાં પુરુષોમાં તેનું પ્રમાણ 219 ટકા અને મહિલાઓમાં 76 ટકા વધ્યું છે. ચામડીના કેન્સરને કારણે પ્રતિ વર્ષ 1400 પુરુષ અને 980 મહિલાના મોત થાય છે. મહિલાઓ કરતાં પુરુષોમાં મેલાનોમાનો ગ્રોથ શરીરના વિવિધ ભાગો પર વધુ થતો હોય છે. સૂર્યપ્રકાશમાં શર્ટ પહેર્યા વિના ફરવાથી પુરુષોની પીઠ પરની ચામડીને નુકસાન થાય છે તેથી તેમની પીઠ પર ચામડીનું આ કેન્સર વધુ જોવા મળે છે. તેના કારણે પુરુષ પીઠ પરની ચામડીમાં આવેલા બદલાવને તાત્કાલિક જોઇ પણ શક્તો નથી. તેથી તેને થયેલા ચામડીના કેન્સરનું વહેલું નિદાન થતું નથી. મહિલાઓમાં સામાન્ય રીતે પગની ચામડીમાં કેન્સરનું પ્રમાણ વધારે જોવા મળે છે.
શું છે મેલાનોમા કેન્સર?
• ચામડીના કેન્સરનો ગંભીર પ્રકાર છે
• જો તાત્કાલિક સારવાર ન કરાય તો તે શરીરના અન્ય અંગોમાં પ્રસરી શકે છે
• વર્ષમાં 16700 મેલાનોમા કેન્સરના કેસનું નિદાન થાય છે
• પુરુષોમાં 36 વર્ષ અને મહિલાઓમાં 47ની ઊંમર બાદ વધુ જોખમ
ધોમધખતા તડકામાં પોતાને કેવી રીતે સાચવશો?
• સવારના 11થી બપોરના 3 સુધી તડકામાં રહેવાનું ટાળો
• શરીરને યોગ્ય કપડાંથી કવર કરો અને એસપીએફ15 અથવા તેથી વધુના સનસ્ક્રીનનો ઉપયોગ કરો
• વાદળછાયા વાતાવરણમાં પણ નુકસાન થઇ શકે છે તેથી સનસ્ક્રીનનો ઉપયોગ કરો.