બ્રિટિશરો દિવસો સુધી પાણી પીધા વિના રહે છે

હેલ્થ બુલેટિન

Thursday 09th May 2024 06:08 EDT
 
 

બ્રિટિશરો દિવસો સુધી પાણી પીધા વિના રહે છે
શરીરમાં પ્રવાહીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે પાણી પીવું આવશ્યક છે. પરંતુ, એક સંશોધન અનુસાર છ માંથી એક બ્રિટિશર દિવસો સુધી પાણી પીતા નથી અને મોટા ભાગના જરૂરી હોય તેના કરતાં અડધું પાણી જ પીએ છે. NHSની ગાઈડલાન્સ કહે છે કે પુખ્ત વ્યક્તિએ દર 24 કલાકમાં 8 ગ્લાસ પાણી પીવું જોઈએ પરંતુ, 15 ટકા પુખ્ત લોકો આખા દિવસમાં હોઠને પાણીથી ભીંજવતા પણ નથી.
પુખ્ત વયના 2000 લોકો પર કરાયેલા અભ્યાસમાં જણાયું હતું કે 18 ટકા લોકો પાણી પીવાનું જરૂરી હોવાનું જાણવાથી જ પાણી પીતા હતા પરંતુ, તેના ફાયદા વિશે જાણતા ન હતા. બીજી તરફ, 20 ટકા લોકો એવા પણ હતા કે દિવસ દરમિયાન તેમણે કેટલું પાણી પીવું જોઈએ તે જાણતા જ ન હતા. અભ્યાસના તારણો મુજબ ત્રીજા ભાગના લોકો પાણી પીવાનું ભૂલી જ જાય છે જ્યારે 25 ટકા લોકો વારંવાર ટોઈલેટ જવું પડે તેવા ભયથી પાણી પીવાનું ટાળે છે અને 18 ટકાએ ઘણા વ્યસ્ત હોવાનો દાવો કર્યો હતો. બીજી તરફ, 26 ટકા લોકોએ સ્વીકાર્યું હતું કે શરીરને વધુ પાણીની જરૂર છે તેવા સંકેતો માથાનો દુઃખાવો (43 ટકા), ઘેરો પીળો પેશાબ (40 ટકા) અને મગજમાં ખાલી ચડવા (28 ટકા) મળવાં છતાં, ડિહાઈડ્રેશનના લક્ષણો જણાયા હોવાનો વિશ્વાસ તેમને ન હતો. જોકે, 49 ટકા લોકોએ હાઈડ્રેશન લેવલ સુધારવાને પ્રાથમિકતા આપી 2024માં તેને વધુ મહત્ત્વ આપવા તૈયારી દર્શાવી હતી.

•••
વધુ ખાંડ ખાઓ અને ડિપ્રેશનનું જોખમ વધારો
ડાયાબિટીસ હોય કે ના હોય પરંતુ, ખોરાકમાં કે પીણા તરીકે વધુ ખાંડ લેવાનું ટાળવું જોઈએ. 2011થી 2018ના ગાળામાં સેન્ટર્સ ફોર ડીસિઝ કન્ટ્રોલ એન્ડ પ્રીવેન્શન નેશનલ હેલ્થ એન્ડ ન્યુટ્રિશન એક્ઝામિનેશન સર્વે હેઠળ 18,400 પાર્ટિસિપેન્ટ્સ તરફથી મેળવાયેલા ડેટા પર આધારિત અભ્યાસ અનુસાર ખોરાક કે પીણામાં દૈનિક ખાંડનું પ્રમાણ વધુ લેવાય તો ડિપ્રેશનનું જોખમ વધી જાય છે. અભ્યાસ હેઠળના લોકો પાસેથી પેશન્ટ હેલ્થ ક્વેશ્ચનેર – 9 (PHQ-9) મારફત માહિતી ઉપરાંત, વય, સેક્સ અને આરોગ્યના ઈતિહાસનો ડેટા પણ મેળવાયો હતો. તમામ બાબતોને ધ્યાનમાં લેતા સંશોધકોને જણાયું હતું કે ખાંડના રોજિંદા પ્રમાણમાં દર 100 ગ્રામના વધારા સાથે ડિપ્રેશનની ઘટનાઓ 28 ટકા વધી હતી. ઓછી ખાંડ ખાનારા લોકોની સરખામણીએ દરરોજ વધુ ખાંડ ખાનારાને ડિપ્રેશનનું જોખમ 33 ટકા વધ્યું હતું. વધુ ખાંડ ખાવાને અને ડિપ્રેશન વચ્ચે સંબંધનું મિકેનિઝમ અસ્પષ્ટ છે પરંતુ, એક સંભાવના એવી છે કે હાઈ સુગર ડાયેટના કારણે પાચનતંત્રના માઈક્રોબાયોટા ખોરવાય છે અને પરિણામે હતાશાની સ્થિતિ ઉદ્ભવે છે. ચીનના જિનાનસ્થિત શાડોન્ગ યુનિવર્સિટી ઓફ ટ્રેડિશનલ ચાઈનીઝ મેડિસીનના મુખ્ય આલેખક લુ ઝાન્ગનો અભ્યાસ BMC સાઈકિઆટ્રીમાં પ્રસિદ્ધ થયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter