નવી દિલ્હીઃ અમેરિકામાં એક આંચકાજનક ઘટનામાં ફ્લોરિડાના વતની શાર્લોટ કાઉન્ટીનું બ્રેઇન ઇટિંગ અમીબાના ચેપના લીધે નિધન થયું છે. ફ્લોરિડા હેલ્થ ડિપાર્ટમેન્ટના અધિકારીઓનું કહેવું છે કે તેને આ ચેપ થવાનું કારણ સાઇનસ હતું, બીજું તે વ્યક્તિ સતત ટેપ વોટરનો ઉપયોગ કરતો હતો. બ્રેઇન ઇટિંગ અમીબાને મેડિકલ ટર્મિનોલોજીમાં નેગ્લેરિયા ફૌલેરી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ અમીબા પોતાનું સ્વરૂપ બદલવાની ક્ષમતા ધરાવે છે. આ પ્રકારના બેક્ટેરિયા ભાગ્યે જ જોવા મળે છે.
સામાન્ય રીતે આ બેક્ટેરિયા મહદઅંશે નિષ્ક્રીય રહેતા હોય છે. પણ તે સક્રિય થાય છે ત્યારે જબરજસ્ત હાનિ પહોંચાડે છે. માનવીના મગજને ખાઈ જવાની તેની પૂરેપૂરી ક્ષમતા છે. આ પ્રકારના અમીબા સામાન્ય રીતે તળાવ, નદી, સરોવરો, ઇન્ડસ્ટ્રીયલ કે પાવર હાઉસે છોડેલા પાણી, જીઓથર્મલ વોટર, નબળું મેઇન્ટેનન્સ ધરાવતા કે ક્લોરિનેટેડ સ્વિમિંગ પુલ, વોટર હીટર, જમીન અને ટેપ વોટરને જોડતા પાઇપ્સમાં જોવા મળે છે.
અગાઉ હેલ્થ ડિપાર્ટમેન્ટે લોકોને બ્રેઇન ઇટિંગ અમીબા અંગે સાવચેત કરતી ચેતવણી જારી કરી હતી. ગયા વર્ષે સાઉથ કોરિયાનો વતની અને થાઇલેન્ડથી પરત ફરેલો નાગરિક બ્રેઇન ઇટિંગ અમીબાના લીધે મૃત્યુ પામ્યો હતો. તેને પણ મેનેન્જિસાઇટિસ જેવા જ લક્ષણ હતા, તેમાં માથાનો દુઃખાવો, તાવ, ઉલ્ટી, બોલવામાં થોથવાવું અને ગળામાં અકડાઈ આવી જેવી બાબતો સામેલ છે. તે સ્વદેશ પરત ફર્યાના 11મા દિવસે તે મૃત્યુ પામ્યો. તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા પછી તેના મૃત્યુના સાચા કારણની ખબર પડી હતી.
બ્રેઇન ઇટિંગ અમીબા મુખ્યત્વે ગરમ પાણીના ઝરામાં જોવા મળે છે. વ્યક્તિ જ્યારે તેનો ચહેરો સ્વચ્છ કરવા જાય છે ત્યારે તેના સંપર્કમાં આવે છે. આ અમીબા શરીરના આંતરિક માર્ગોનો ઉપયોગ કરીને નાકથી છેક મગજ સુધી પહોંચે છે. તેના પછી તે આપણા શરીરની અંદરના ટિસ્યુ જ ખતમ કરવા માંડે છે. આરોગ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ આ પ્રકારનો ચેપ ભાગ્યે જ જોવા મળે છે. જ્યારે કોઈ વ્યક્તિ પાણીના સંપર્કમાં આવ્યો હોય અને તે નાક દ્વારા તેના શરીરમાં પ્રવેશ્યા હોય ત્યારે આ પ્રકારની સ્થિતિ સર્જાઈ શકે છે.