વોશિંગ્ટનઃ વિકરાળ બની રહેલી બ્રેસ્ટ કેન્સરની બીમારીને દૂર કરવા માટે અમેરિકાના ક્લીવલેન્ડ ક્લિનિકે તેની વેક્સિનના પહેલા તબક્કાની ટ્રાયલ શરૂ કરી દીધી છે. આ ટ્રાયલની મદદથી આ કેન્સરના સૌથી ખતરનાક પ્રકાર ટ્રિપલ નેગેટિવ બ્રેસ્ટ કેન્સરને કંટ્રોલ કરી શકાય છે. યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા વેક્સિન ટ્રાયલનું એપ્રૂવલ મળ્યા બાદ ક્લીવલેન્ડ ક્લિનિક વેક્સિન કંપની એનિક્સા બાયોસાયન્સ સાથે મળીને કામ કરી રહી છે. પહેલા તબક્કામાં ટ્રિપલ-નેગેટિવ બ્રેસ્ટ કેન્સરથી પીડાતા દર્દીઓને આ વેક્સિન અપાશે અને કેન્સરથી લડવા માટે તેમના બોડીમાં કેટલો ઇમ્યૂન રિસ્પોન્સ જોવા મળે છે તેને સમજવામાં આવશે. આ દર્દીઓને ત્રણ વખત વેક્સિનનો ડોઝ આપવામાં આવશે અને બે સપ્તાહ માટે વેક્સિનની સાઇડ ઇફેક્ટ પર નજર રાખવામાં આવશે. આ પૂરી ટ્રાયલ સપ્ટેમ્બર ૨૦૨૨ સુધીમાં પૂરી થશે. આ અંગે ક્લીવલેન્ડ ક્લિનિક્સ લર્નર રિસર્ચ ઇન્સ્ટિટયૂટના ઇમ્યૂનોલોજિસ્ટ અને વેક્સિન તૈયાર કરનાર વિન્સેન્ટ ટયૂઓફી કહે છે કે, નવી વેક્સિનમાં બ્રેસ્ટ કેન્સરને રોકવાની ક્ષમતા છે. બ્રેસ્ટ કેન્સરના જેટલા પણ કેસો સામે આવે છે તેમાંથી ૧૨થી ૧૫ ટકા ટ્રિપલ નેગેટિવ બ્રેસ્ટ કેન્સરના દર્દીઓ હોય છે, જે બ્રેસ્ટ કેન્સરનો સૌથી ગંભીર પ્રકાર છે. આ કેન્સર સૌથી વધારે આફ્રિકન અને અમેરિકન મહિલાઓમાં જોવા મળે છે.