બ્લડ પ્રેશરમાં વધઘટ બૌદ્ધિક પ્રક્રિયાને પ્રભાવિત કરી શકે
બ્લડ પ્રેશરમાં સતત વધારોઘટાડો શ્વેત લોકોમાં વિચારવાની નબળી પ્રક્રિયા સાથે સંકળાયેલો હોવાનું અગાઉના અભ્યાસોમાં જણાવાયું હતું પરંતુ, નવા અભ્યાસ અનુસાર તેનાથી શ્વેત અને અશ્વેત લોકો પ્રભાવિત થઈ શકે છે. જર્નલ ન્યૂરોલોજીમાં પ્રસિદ્ધ અભ્યાસના તારણોએ જણાવ્યું હતું કે આવી વધઘટ વૃદ્ધ અશ્વેત પુરુષોની વિચારપ્રક્રિયાને વધુ પ્રભાવિત કરે છે. લોકો ડોક્ટરની વિઝિટ કરે તેના બે ગાળા વચ્ચે બ્લડ પ્રેશરમાં થતો ફેરફાર અને વ્યક્તિની વિચાર કરવાની શક્તિ સંદર્ભે સંશોધકોએ ધ્યાન આપ્યું હતું. તેમને જણાયું હતું કે 18 વર્ષના ગાળામાં બ્લડ પ્રેશરમાં સૌથી વધુ ફેરફાર નોંધાયો હોય તેવી વ્યક્તિ કોગ્નિટિવ ટેસ્ટમાં સૌથી નબળી હતી. લોકોની વય વધવા સાથે તેમની વિચારશક્તિ ધીમી પડે છે અને તે અનિવાર્ય નતી છતાં, કેટલાકની સરખામણીએ ઘણામાં તેની અસર વધુ જણાય છે. હાઈ બ્લડ પ્રેશર અથવા હાઈપરટેન્શન વિચારશક્તિ ધીમી પડવાના જોખમને વધારે છે. નવા અભ્યાસ મુજબ શ્વેત લોકોની સરખામણીએ અશ્વેતોમાં હાઈપરટેન્શન સહિત કાર્ડિયોવાસ્કુલર જોખમના પરિબળો વધુ હોય છે. આ અભ્યાસ માટે સંશોધકોએ શિકાગો હેલ્થ એન્ડ એજિંગ પ્રોજેક્ટના ડેટાને ધ્યાનમાં લીધો હતો. જેમાં 65થી વધુ વયના 4,770 વ્યક્તિઓમાં 66 ટકા અશ્વેત અને બાકીના શ્વેત લોકોનો સમાવેશ થયો હતો. તેમના પર 18 વર્ષ દેખરેખ રખાઈ હતી અને દર ત્રણ વર્ષે બ્લડ પ્રેશર માપવામાં આવતું હતું. જોકે, અભ્યાસમાં ચોક્કસ મર્યાદાઓ રહી હોવાનું પણ સંશોધકોએ સ્વીકાર્યું છે.
•••
વય વધવા સાથે સ્નાયુઓ નબળા પડતા જાય
વ્યક્તિની વય જેમ વધતી જાય તેમ શરીર સંકોચાતું જાય છે તેમજ સ્નાયુઓની મજબૂતાઈ અને શક્તિ પણ ઘટે છે. વય સાથે વધતી સ્નાયુઓની નબળાઈને સાર્કોપેનીઆ- Sarcopenia તરીકે ઓળખાવાય છે. આની શરૂઆત આશરે 35 વર્ષની વય સાથે થાય છે અને વ્યક્તિ મુજબ દર વર્ષે 1-2 ટકાના દરે સંકોચાય છે. 60 વર્ષની વય પછી તે વાર્ષિર 3 ટકાના દરે વધે છે. જોકે, સંશોધનોએ પુરવાર કર્યું છે કે એરોબિક કસરતો સ્નાયુઓની મજબૂતાઈ અને શક્તિ જાળવી રાખવામાં મદદ કરે છે તેમજ ઘણી વખત હૃદયરોગ, ડાયાબિટીસ, આર્થ્રાઈટીસ અને ઓસ્ટીઓપોરોસિસ જેવી સ્થિતિને પણ અટકાવે છે. પરંતુ, સરેરાશની વાત કરીએ તો જે વયસ્કો નિયમિત સ્ટ્રેન્ગ્થ ટ્રેઈનીંગ કે કસરતો કરતા નથી તેઓ દાયકા દીઠ4થી 6 પાઉન્ડ સ્નાયુજથ્થો ગુમાવે તેવી ધારણા છે. તેઓમાં સ્નાયુઓની જગ્યાએ ચરબી વધતી જાય છે. વ્યક્તિમાં નબળાઈ જ નથી આવતી પરંતુ, રોજબરોજની કામ કરવાની ગતિ પણ ધીમી પડે છે.
નબળા સ્નાયુઓનો અર્થ એ છે કે સ્વતંત્રતામાં કાપ મૂકાય. ચાલવું, સાફસફાઈ, શોપિંગ અથવા કપડા પહેરવાં જેવી બાબતો પણ મુશ્કેલ બનતી જાય છે. શરીરનું બેલેન્સ જાળવવામાં તકલીફ પડે છે તેમજ બીમારી કે ઈજામાંથી સાજા થવાની શક્તિને પણ અસર થાય છે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે 65વર્ષ અને વધુ વય ધરાવતા વયસ્કોમાં દર ત્રણમાંથી એક વ્યક્તિ બેલેન્સ ન રહેવાથી પડે છે અને હાડકાંના ફ્રેક્ચર જેવી પરિસ્થિતિમાં મૂકાઈ જાય છે.