લંડનઃ સફરજન, કરમદાં અને ચા જેવા ફ્લેવોનોલ્સથી સમૃદ્ધ આહાર તમારું બ્લડપ્રેશર ઘટાડવામાં ઉપયોગી છે અને તેને પગલે હૃદયરોગ સંબંધિત તકલીફોમાં રાહત થતી હોવાનું એક અભ્યાસમાં દાવો કરાયો છે.
બ્રિટન અને અમેરિકાના સંશોધકોએ બ્રિટનની નોર્ફોક કાઉન્ટીમાં ૩૫,૧૬૮ લોકોના આહાર અને બ્લડપ્રેશરનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો હતો. તેમને એ અભ્યાસમાં જણાયું હતું કે ફ્લેવોનોલ ઓછું હોય એવો આહાર લેનારા લોકો કરતાં ફ્લેવોનોલ વધુ હોય એવો આહાર લેનારા લોકોમાં બ્લડપ્રેશર ૪ mmHg જેટલુ નીચું હોય છે. આ ઘટાડો ડાયેટરી એપ્રોચીસ ટુ સ્ટોપ હાઇપરટેન્શન (DASH) આહાર લેવાથી થતાં ઘટાડા જેટલો જ હોય છે. ભૂતકાળના અભ્યાસ લોકોના પોતાના આહાર અને પીણાની ટેવ પર આધારિત હતા. જ્યારે આ ટીમે ફ્લેવોનોલનું સ્તર નક્કી કરવા માટે તબીબી અભ્યાસ માટે વધુ સચોટ ગણાતા બાયોમાર્કરનો ઉપયોગ કર્યો હતો.
અભ્યાસના લેખક અને ન્યૂટ્રિશનલિસ્ટ રીડિંગ યુનિવર્સિટીના ગુન્ટર કુહન્લેએ જણાવ્યું હતું કે, ચા અને કેટલાક ફળોમાં જોવા મળતું ફ્લેવોનોલનો મુખ્ય સ્ત્રોત ચા, કોકો, સફરજન અને કરમદાં છે. બાયોએક્ટિવ કંપાઉન્ડ શોધવા માટે ન્યૂટ્રિશનલ બાયોમાર્કરનો ઉપયોગ મોટા પાયે થયો હોય એવો આ એક અભ્યાસ છે. આ અભ્યાસમાં ફ્લેવોનોલનો લાભ નોંધવામાં આવ્યો હતો. આહાર નિયંત્રણ થકી હાઈ બ્લડપ્રેશર કે હાઇપરટેન્શન જાણી શકાય એવા લક્ષણ ભાગ્યે જ હોય છે, પરંતુ તેની સારવાર ન થાય તો હાર્ટએટેક અને સ્ટ્રોક્સ જેવી ગંભીર બીમારીનું જોખમ વધતું હોય છે. આ સંજોગોમાં હવે તબીબી વિજ્ઞાન આહારમાં એવા પોષકતત્ત્વો શોધી રહ્યું છે, જે કુદરતી રીતે બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખી શકે.