• બ્લીડિંગના ઓછાં જોખમ સાથેની એન્ટિકોએગ્યુલન્ટ્સ દવાઓ
ઘણી દવાઓ તત્કાળ ફાયદો કરે છે પરંતુ, તેના જોખમો પણ રહેલા છે. એન્ટિકોએગ્યુલન્ટ્સ અથવા તકો લોહીને પાતળું રાખતી દવાઓનું ગ્રૂપ ગંઠાયેલા લોહી-ક્લોટ્સનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે પરંતુ, તીવ્ર બ્લીડિંગ થવાનું ચોક્કસ જોખમ પણ રહેલું છે. આના કારણે સંશોધકો લોહીને પાતળું રાખવાની સાથે જ બ્લીડિંગનું જોખમ ન રહે તેવી સલામત એન્ટિકોએગ્યુલન્ટ્સ દવાઓ વિકસાવી રહ્યા છે. લોહીનાં ક્લોટ્સ ભારે જોખમી બની શકે છે અને સ્ટ્રોક અથવા હાર્ટ એટેક્સ લાવવા તરફ દોરી જાય છે. એન્ટિકોએગ્યુલન્ટ્સ બ્લડ ક્લોટ્સ થવાની શક્યતાને ઘટાડે છે. સામાન્યપણે વારફાર્રિન અને હેપારિન દવાઓનો ઉપયોગ થતો હોય છે. લોહી જાડું થતું હોય તેવા દર્દીઓ માટે ડોક્ટર્સ લોહી પાતળું કરવાની દવાઓ પ્રીસ્ક્રાઈબ કરે છે. હૃદયના અનિયમિત ધબકારા, શરીરના વિવિધ અંગઉપાંગોમાં ગંઠાયેલાં લોહીની નાની ગાંઠ, કૃત્રિમ હાર્ટ વાલ્વ્સ જેવી પરિસ્થિતિઓમાં લોહીને પાતળું રાખવાની જરૂર પડે છે જેથી તેનું વહન બરાબર થઈ શકે અને ભવિષ્યમાં સ્ટ્રોક, હાર્ટ એટેક્સ કે બ્લડ ક્લોટ્સને વધતા અટકાવી શકાય. ઘણી વખત એન્ટિકોએગ્યુલન્ટ્સના વધુ ઉપયોગથી રક્તસ્રાવ થવાનું જોખમ પણ રહે છે. આવા સમયે ડોક્ટરોને જરૂર લાગે ત્યારે એન્ટિકોએગ્યુલન્ટ્સની અસર અટકાવવા પ્રોટામાઈન સલ્ફેટ જેવા રીવર્સલ એજન્ટ્સનો ઉપયોગ પણ કરે છે. આ સમસ્યા ધ્યાનમાં રાખી સંશોધકો જરૂર પડે રિવર્સિબિલિટી સાથેના અસરકારક એન્ટિકોએગ્યુલન્ટ્સ વિકસાવી રહ્યા છે. આ સુપરમોલેક્યુલર એન્ટિકોએગ્યુલન્ટમાં બે ડ્રગ્સના અંશ કે તત્વો સંકળાયેલા છે અને એન્ટિકોએગ્યુલન્ટની અસર એન્ટિડોટના ઉપયોગથી નકામી કે રિવર્સ કરી શકાય છે. જોકે, અભ્યાસના સંશોધકો અનુસાર રીવર્સલ એજન્ટનો વિકલ્પ ઘણો ખર્ચાળ છે.
•••
• માઉથવોશનો રોજિંદો ઉપયોગ આરોગ્યને નુકસાન કરી શકે
મુખમાંથી આવતી ખરાબ વાસ દૂર કરવા અથવા શ્વાસને તરોતાજા રાખવા માઉથવોશનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે, હવે અભ્યાસો કહે છે કે એન્ટિમાઈક્રોબિયલ માઉથવોશ લાભના બદલે નુકસાન વધુ કરી શકે છે. આપણા મોં, જઠર અને આંતરડાં સહિત શરીરમાં વિવિધ પ્રકારના માઈક્રોબ્સ, ફંગઈ, વાઈરસીસ, પ્રોટોઝોઆન્સ કે શરીરને ઉપયોગી બેક્ટેરિયા વસે છે. માઉથવોશના કારણે મુખમાં રહેલા માઈક્રોબાયોમ્સનું સંતુલન બગડી જાય અને ચોક્કસ ખતરનાક તકવાદી બેક્ટેરિયાનું પ્રમાણ વધી જાય છે. અગાઉના સંશોધનોમાં પણ મોંમા રહેલા ચોક્કસ બેક્ટેરિયા પેઢાંના રોગ અને ગેસ્ટ્રિક કેન્સર સાથે સંકળાયેલા હોવાના તારણો આવ્યા હતા. જર્નલ ઓફ મેડિકલ માઈક્રોબાયોલોજીમાં પ્રકાશિત તાજેતરના સંશોધનમાં જણાવાયું છે કે આલ્કોહોલ બેઝ્ડ માઉથવોશનો નિયમિત ઉપયોગ મુખના જોખમી બેક્ટેરિયાના વધુપડતા પ્રમાણ સાથે સંકળાયેલો છે. માઉથવોશીઝમાં આલ્કોહોલ અને ખરાબ દુર્ગંધ લાવતા બેક્ટેરિયાને ખતમ કરતા એન્ટિમાઈક્રોબિયલ્સ હોય છે. આ તત્વો સારા અને ઉપયોગ બેક્ટેરિયાને પણ ખતમ કરી નાખે છે. બીજી તરફ, ઘણા લોકોને મોંના ઈન્ફેક્શન સહિત ચોક્કસ પરિસ્થિતિઓ માટે માઉથવોશના ઉપયોગની સલાહ આપવામાં આવે છે. આવી હાલતમાં, ટુંકા ગાળા માટે માઉથવોશનો ઉપયોગ ખોટો નથી. પરંતુ, સાવચેતી ખાતર પણ ડોક્ટર દ્વારા પ્રીસ્ક્રાઈબ ન કરાય તો માઉથવોશનો નિયમિત ઉપયોગ ન કરાવો જોઈએ. તમારા મુખને સ્વસ્થ રાખવા માટે બ્રશ દ્વારા દાંતની નિયમિત સફાઈ અને ફ્લોસિંગ કરવા જ જોઈએ.
•••
• રાત્રે લીધેલો ખોરાક પણ ઊંઘને અસર કરે
સામાન્યપણે સારા આરોગ્ય માટે પુખ્ત વયની વ્યક્તિને દરરોજ રાત્રે સાતથી આઠ કલાકની ઊંઘ મળી રહે તે જરૂરી છે. જો પૂરતાં પ્રમાણમાં ઊંઘ ન લેવાય તો ડાયાબિટીસ, હૃદયરોગ અને સ્થૂળતાનું જોખમ વધી જાય છે. પરંતુ, રાત્રે બરાબર નિદ્રા ન આવતી હોય તેના ઘણાં કારણો છે. તમે રાત્રે જે ખોરાક લીધો હોય તેની અસર પણ ઊંઘ પર પડે છે. તમે તાજગીસભર અને એલર્ટ રહેવા માટે જે ખોરાક લેતા હો તેમાં કેફિન અને ગળપણ વધારે રહે તેની અસર પણ તમને લાંબો સમય જાગવા તરફ દોરી જાય છે. ભારે ચરબી, બેક કરેલો ખોરાક, ચીઝ, આઈસ્ક્રીમ અને મરીમસાલાથી ભરપૂર ખોરાક અથવા પ્રોસેસ્ડ ફૂડ્સનો ખોરાક લીધો હોય તો અપચો અને એસિડ રિફ્લક્સના કારણે છાતીમાં બળતરા થતી રહે છે જેના કારણે પણ ઊંઘ આવતી નથી. આથી રાત્રિના સમયે આવો ભારે ખોરાક લેવાનું ટાળવું જોઈએ. પ્રોસેસ્ડ ફૂડ્સમાં સોડિયમનું પ્રમાણ વધારે રહે છે જેના કારણે વારે વારે પાણી પીતા રહેવું પડે છે જેથી રાત્રે પેશાબ કરવા વધુ ઉઠવું પડે અને ઊંઘ ખરાબ થાય છે. આલ્કોહોલ પીવાથી પણ નિદ્રારાણી રીસાઈ જાય છે કારણકે આલ્કોહોલ ઊંઘ માટે આવશ્યક મેલાટોનિન હોર્મોનના ઝરવાને અવરોધે છે અને પરિણામે, શરીરના બાયોરિધમ એટલે કે ઊંઘવા-જાગવાની સાઈકલમાં દખલગીરી કરે છે. રાત્રે સૂતાં પહેલા કોફી કે કેફિનયુક્ત ચા જેવાં ઉત્તેજક પીણાં લેવાનું પણ ટાળવું જોઈએ. ડાર્ક ચોકલેટ અને ગ્રીન ટીમાં કેફિન વધુ હોય છે. હુંફાળું દૂધ, ચેરી જ્યૂસ કે પિસ્તાનો વિકલ્પ સારો છે જે ઊંઘ લાવવામાં મદદ કરે છે.