તાજેતરના સર્વેમાં જણાયું હતું કે ઈંગ્લેન્ડના ૫૦ અને તેથી વધુ વયના ૧૬ ટકા લોકોએ જણાવ્યું હતું કે તેઓ જ્યારે ટોઈલેટ જાય છે ત્યારે દરેક વખતે તેમના પેશાબનો કલર ચેક કરે છે. મહિલાઓ દરેક વખતે યુરિનનો કલર ચેક કરે તેની શક્યતા ઓછી હોય છે. ૨૦ ટકા પુરુષોની સરખામણીમાં મહિલાઓમાં આ પ્રમાણ ૧૨ ટકા છે.
પેશાબમાં લોહી આવે તો તે બ્લેડર અને કિડની કેન્સરનું મુખ્ય લક્ષણ છે પરંતુ, તમે ટોઈલેટ ફ્લશ કરો તે પહેલા યુરિન જોશો તો તેમાં લોહી હોવાની તમને ખબર પડશે.
ઈંગ્લેન્ડમાં દર વર્ષે ૮,૦૦૦થી વધુ લોકોને બ્લેડર કેન્સરનું અને ૧૦,૦૦૦ લોકોને કિડની કેન્સર હોવાનું નિદાન થાય છે. આ કેન્સર દરેક વયના લોકોને થઈ શકે. પરંતુ, ૫૦થી વધુની વયના લોકોમાં તે સામાન્ય છે.
મહિલાઓમાં ફ્લશ કર્યા પહેલા જોવાની ઓછી શક્યતા
પુરુષોને યુરિનમાં લોહી હોવાનો તરત ખ્યાલ આવી જાય છે તેવી રીતે મહિલાઓમાં યુરિન કર્યા બાદ જોવાની ટેવ હોતી નથી. પરંતુ, હું મહિલાઓને પણ તે ફ્લશ કરે તે પહેલા તે જોવા પ્રોત્સાહિત કરીશ.
કેટલાંક મહિલા દર્દીઓએ માસિક વખતનું લોહી અને બ્લેડર અથવા કિડની કેન્સરનું લક્ષણ હોઈ શકે તેવા બ્લિડિંગ વચ્ચેનો તફાવત કેવી રીતે સમજી શકાય તેવો પ્રશ્ર કર્યો હતો. મારી તેમને સલાહ છે કે અસામાન્ય લાગે તેવા બ્લિડિંગનો તેમને અનુભવ થાય તો તેમણે તરત જ તેમના ડોક્ટરને બતાવવું જોઈએ.
સાઉથ એશિયન સમુદાયે તાકીદે મદદ લેવી જોઈએ
સાંસ્કૃતિક, ધાર્મિક અને ભાષાના અંતરાયો સાઉથ એશિયન લોકોને ડોક્ટરને બતાવવા વહેલા જતા અટકાવે છે. વધુ લોકોની જીંદગી બચાવી શકાય તે માટે આ પરિસ્થિતિ બદલવાની જરૂર છે.
ડો. જ્યોતિ સુદ પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડના નવા કેમ્પેન ‘બી કિલ્યર ઓન કેન્સર’ ના કેમ્પેનર છે. તેઓ ન્યૂબરી પાર્ક હેલ્થ સેન્ટરમાં GP પાર્ટનર છે.