વાઇરસની વિવિધ આકર્ષક તસવીરો રજૂ થઈ રહી છે, પરંતુ ગોળાકાર અને ફરતા થાંભલા ધરાવતી એ તસવીરો કલ્પનાચિત્ર છે. કલ્પનાચિત્ર હોવાથી તેનો દેખાવ પણ આકર્ષક છે. બીજી તરફ અસલ વાઇરસ જોવા મળવો મુશ્કેલ છે. સામાન્ય મનુષ્યને તો એ ક્યારેય દેખાય નહીં, ભલભલા મેડિકલ ખેરખાંઓ પણ શક્તિશાળી માઈક્રોસ્કોપિક ટેલિસ્કોપ વગર વાઇરસ જોઈ શકતા નથી. ભારતના વિજ્ઞાાનીઓ જોકે કોરોના વાઇરસની તસવીર રજૂ કરવામાં સફળ થયા છે. કોરોનાના કેરળના એક મહિલા દરદીના ગળાના ભાગમાંથી લેવાયેલા લાળના નમૂનામાં રહેલા કોરોનાની આ તસવીર છે.
આ તસવીરમાં વાઇરસનું કદ ૭૦થી ૮૦ નેનોમિટર (નેનોમિટર એટલે મિલિમિટરનો દસ લાખમો ભાગ અથવા મીટરનો એક અબજમો ભાગ) જણાયું છે. આ તસવીર સંશોધકોએ ઈન્ડિયન જર્નલ ઓફ મેડિકલ સાયન્સમાં પ્રગટ કરી હતી. વાઇરસના અભ્યાસથી તેની હિલચાલની રીતભાત અને વર્તન જાણી શકાય છે.
અન્ય વાઇરસ સાથે સરખામણી કરીને ઈલાજ શોધવામાં પણ આ તસવીરોથી મદદ મળી શકે છે. આ વાઇરસની તસવીર ઈલેક્ટ્રોનિક માઈક્રોસ્કોપ દ્વારા લેવાઈ છે અને કોઈ પણ વાઇરસની તસવીર તેના દ્વારા જ લઈ શકાય, સામાન્ય ટેલિસ્કોપમાં વાઇરસ જોઈ શકાતા નથી. આ તસવીરમાં વાઇરસ અને તેની ચાલ-ચલગત ઝડપવામાં ભારતના મેડિકલ નિષ્ણાતો સફળ થયા હતા.