ભારતમાં કોરોનાનો સૌપ્રથમ કેસ કેરળના ત્રિશૂરમાં નોંધાયો હતો. આ દર્દી એક યુવતી હતી. સંપૂર્ણ સાજી થઇ ગયેલી આ યુવતીએ નામ ન છાપવાની શરતે બીમારીનો ચેપ લાગવાથી માંડીને સ્વસ્થ થવા સુધીનો અનુભવ જણાવ્યો છે તેના અંશોઃ
ચીનમાં કોરોના ફેલાયો તો અમે ગભરાઇ ગયા. હું વુહાન યુનિવર્સિટીમાં ભણતી હતી પણ અમે ૨૪ જાન્યુઆરીએ કેરળ આવી ગયા હતા. અમને તે સમયે મેડિકલ ટીમને રિપોર્ટ કરવા કહેવાયું. હું મારા ઘરે ગઇ અને ૨૫ જાન્યુઆરીએ મેં મેડિકલ ટીમને જાણ કરી. તે સમયે મારામાં કોરોના વાઇરસ ચેપનાં કોઇ લક્ષણ નહોતા. સાવચેતીરૂપે કેરળ સરકારના કહેવાથી હું ઘરે જ આઇસોલેશનમાં રહી. ડોક્ટરો અને નિષ્ણાંતોની ટીમ જ રોજ મારો સંપર્ક કરતી અને સ્વાસ્થયનું પરીક્ષણ કરતી હતી.
૨૭મી જાન્યુઆરીએ સવારે જ્યારે હું સૂઇને ઉભી થઇ તો મને ગળામાં દુખાવો થઇ રહ્યો હતો, થોડાક કફ હતો. મને લાગ્યું કે આ ઋતુ પરિવર્તનને કારણે થયું હશે પણ અમે કોઇ રિસ્ક લેવા માગતા ન હતા. મેં ડોક્ટરને તેની માહિતી આપી.
મેડિકલ ટીમે તાત્કાલિક એમ્બ્યુલન્સ મોકલી અને મને જનરલ હોસ્પિટલમાં, ત્રિશૂર શિફ્ટ કરાઇ. ત્યાં મારા અને ત્રણ અન્ય લોકોના બોડી ફ્લૂઇડ અને બ્લડ ટેસ્ટ માટે પૂણે મોકલાયા. બે દિવસમાં રિપોર્ટ આવવાનો હતો. બે દિવસ પછી અન્ય લોકોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો પણ મારો પેન્ડિંગ હતો. મને શંકા થઇ રહી હતી.
૩૦મી જાન્યુઆરીએ સ્વાસ્થ્ય પ્રધાને જાહેરાત કરી કે ચીનથી આવેલ એક વિદ્યાર્થિનીમાં કોરોનાનો ચેપ પોઝિટિવ મળી આવ્યો છે પણ અત્યાર સુધી કોઇએ પણ મને જાણ નહોતી કરી કે તે વ્યક્તિ હું જ છું. જોકે મારી શંકાની એટલા માટે પુષ્ટી થઇ કેમ કે આઇસોલેશન વોર્ડમાં ફક્ત બે વિદ્યાર્થિનીઓ હતી. એક હું અને બીજા મારી સિનિયર. તેનું રિઝલ્ટ નેગેટિવ આવ્યું હતું. મારું રિઝલ્ટ નહોતું આવ્યું કાં તો મને જણાવાયું જ ન હતું. જોકે મારાં લક્ષણો ગંભીર નહોતાં એટલા માટે મને વધારે ટેન્શન નહોતું. મને સમજાઇ ગયું હતું કે હું વધારે ગભરાઇશ તો મુશ્કેલી વધી જશે. મને ખબર હતી કે કોરોનાના ડેથ રેટ કરતાં રિકવરીનો રેટ સારો છે એટલા માટે હું નકારાત્મક વિચારોથી બચી રહી હતી. મેં મારી સાથે પ્રવાસ કરનારા અન્ય લોકોની પણ સંપૂર્ણ વિગત આપી હતી. સ્વાસ્થ્ય પ્રધાને મારી માતા સાથે વાત કરી હતી અને મારા ચેપગ્રસ્ત થવાની માહિતા આપી. તેમણે જ વિશ્વાસ અપાવ્યો હતો કે હું સાજી થઇ જઇશ.