ભારતમાં ટેસ્ટિંગ કિટ બની, ૧ કિટથી ૧૦૦ સેમ્પલની ચકાસણી

Saturday 11th April 2020 06:18 EDT
 

પૂણે: ભારતમાં બનેલી પહેલી કોરોના વાઇરસ ટેસ્ટિંગ કિટ બજારમાં મૂકાઇ ગઇ છે. પૂણેની માયલેબ ડિસ્કવરી ભારતની એવી પહેલી કંપની છે કે જેને આ કિટના ઉત્પાદન-વેચાણની મંજૂરી મળી છે. આ મોલેક્યુલર ડાયગ્નોસ્ટિક કંપનીએ એચઆઇવી, હિપેટાઇટિસ બી તથા સી સહિતની બીમારી માટે પણ ટેસ્ટિંગ કિટ બનાવી ચૂકી છે. કંપનીનો દાવો છે કે તે એક અઠવાડિયામાં ૧ લાખ કોવિડ-૧૯ ટેસ્ટ કિટ પૂરી પાડશે અને જરૂર પડે બે લાખ કિટ તૈયાર કરી શકે છે. આ દરેક કીટ દ્વારા ૧૦૦ સેમ્પલ ચકાસી શકાય છે અને કિટની કિંમત પણ ૪૫૦૦ રૂપિયા જ છે.
માયલેબ ડિસ્કવરીના રિસર્ચ-ડેવલપમેન્ટ હેડ વાયરોલોજિસ્ટ મિનલ દખાવે ભોસલેએ જણાવ્યું હતું કે, અમારી કિટ કોરોના વાઇરસના ચેપની અઢી કલાકમાં તપાસ કરી લે છે જ્યારે વિદેશથી આવનારી કિટ દ્વારા તપાસમાં ૬-૭ કલાક લાગે છે. મિનલ કોરોનાની ટેસ્ટિંગ કિટ (પાથો ડિટેક્ટ) તૈયાર કરનાર ટીમના વડાં છે. આવી કિટ તૈયાર કરવામાં સામાન્ય રીતે ચાર મહિના લાગતા હોય છે, પણ આ ટીમે માત્ર છ સપ્તાહના વિક્રમજનક સમયમાં કીટ તૈયાર કરી દીધી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter