નવી દિલ્હી: ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (ડીસીજીઆઇ)એ ભારત બાયોટેકે વિકસાવેલી અને નાક વાટે અપાતી કોવિડ વેક્સિનને 18 વર્ષથી ઉપરના લોકો માટે મર્યાદિત ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે.
ભારત સરકારના આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે ભારતની કોવિડ-19 વિરુદ્ધની લડાઇમાં વધુ એક સફળતા મળી છે. ભારત બાયોટેકની સીએચએડી36 -સાર્સ-કોવ-એસ કોવિડ-19 નેઝલ વેક્સિનને 18 વર્ષથી ઉપરના લોકો માટે મર્યાદિત ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દેવાઇ છે.
કંપનીના સૂત્રોના જણાવ્યા અનુસાર, હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક ઇન્ટરનેશનલ લિમિટેડ (બીબીઆઇએલ)એ 4000 વોલન્ટીયર્સ પર નેસલ વેક્સિનની ક્લીનિકલ ટ્રાયલ પૂર્ણ કરી છે અને અત્યાર સુધી આ લોકોમાં કોઇ સાઇડ ઇફેક્ટ જોવા મળી નથી.
દેશમાં કોરોનાના કુલ એક્ટિવ કેસ ઘટીને 52,336 થઇ ગઇ છે. જ્યારે કોરોનાનો કુલ મૃત્યુઆંક વધીને 5,28,030 થઇ ગયો છે. રાષ્ટ્રવ્યાપી કોવિડ-19 રસીકરણ અભિયાન હેઠળ કોરોના વેક્સિનના કુલ 213.72 કરોડ ડોઝ અપાયા છે.