નવી દિલ્હીઃ કોરોના મહામારી સામેની લડાઇમાં ઇતિહાસ સર્જતાં ભારતમાં કોરોના રસીના ૧૦૦ કરોડથી વધુ ડોઝ ફક્ત ૨૭૮ દિવસમાં આપી દેવાયા છે. વિશ્વમાં કોરોના વેક્સિનેશનના ડોઝની સંખ્યાના મામલે ભારત ફક્ત ચીન કરતાં પાછળ છે. વિશ્વમાં અપાતા કોરોના રસીના પ્રત્યેક ૧૦૦ ડોઝમાંથી ૧૫ ડોઝ ભારતમાં અપાયા છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે ભારતમાં અપાયેલા કોરોના રસીના કુલ ડોઝ પૈકીના ૬૫ ટકા ડોઝ ગ્રામીણ ભારતમાં અપાયા છે.
ભારતમાં લગભગ ૭૪ ટકા પુખ્ત વસતીને કોરોના રસીનો પ્રથમ ડોઝ અને ૩૦.૯ ટકા વસતીને બંને ડોઝ આપી દેવાયા છે. આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર અત્યાર સુધીમાં રાજ્યોને ૧૦૩.૪ કરોડ ડોઝ પૂરા પડાયા છે, જેમાંથી ૧૦.૮૫ કરોડ ડોઝ રાજ્યો પાસે અનામત છે. સત્તાવાર આંકડા પ્રમાણે દેશમાં ગુજરાત સહિતના આઠ રાજ્યોમાં કોરોના રસીના ૬ કરોડથી વધુ ડોઝ અપાયા છે.
ભારતમાં ૧૬ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ કોરોના રસીકરણનો પ્રારંભ થયો હતો. પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઇન વોરિયર્સને કોરોના રસી અપાઇ હતી. પહેલી માર્ચથી શરૂ કરાયેલા બીજા તબક્કામાં ૬૦થી વધુ વયના સિનિયર સિટિઝન અને ગંભીર બીમારી ધરાવતા ૪૫ વર્ષથી વધુ વયના નાગરિકોને કોરોના રસી અપાઇ હતી. પહેલી એપ્રિલથી ૪૫થી વધુ વયના તમામ નાગરિકો અને પહેલી મેથી ૧૮ વર્ષથી વધુના તમામ પુખ્ત નાગરિકોને કોરોના રસી આપવાનો પ્રારંભ કરાયો હતો. હાલ દેશમાં ૬૩,૪૬૭ સેન્ટર પર કોરોના રસી અપાઇ રહી છે, જેમાં ૬૧,૨૭૦ સરકારી અને ૨,૧૯૭ પ્રાઇવેટ સેન્ટરનો સમાવેશ થાય છે.
ભારતમાં રસીકરણ અભિયાનની ઐતિહાસિક સફળતામાં ડો. બલરામ ભાર્ગવ (ડિરેક્ટર જનરલ, ઇંડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિચર્સ), ડો. વી. કે. પોલ ચેરમેન (કોવિડ-૧૯ ટાસ્ક ફોર્સ), ડો એન. કે. અરોરા (અધ્યક્ષ, એનટીએજીઆઇ), ડો. રેણુ સ્વરૂપ (સેક્રેટરી, વિજ્ઞાન મંત્રાલય) અને ડો. શેખર માંડે (ડિરેક્ટર જનરલ, સીએસઆઇઆર)નો સમાવેશ થાય છે.