નવી દિલ્હીઃ ભારતમાં મંગળવારે ફરી એક વખત કોરોના વેક્સિનના એક કરોડથી વધુ ડોઝ લાગ્યા છે. આ સાથે જ સૌથી વધુ વેક્સિનેશનનો નવો રેકોર્ડ પણ બની ગયો છે. કોવિન પોર્ટલ મુજબ મંગળવારે લગભગ ૧.૨૫ કરોડ લોકોને વેક્સિન લગાડવામાં આવી. સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું કે દેશે વધુ એક ટાર્ગેટ પાર પાડ્યો છે. ગત રેકોર્ડ દેશમાં વેક્સિનના એક કરોડથી વધુ ડોઝ લગાડવામાં આવ્યા છે. આ સંખ્યા સતત વધી રહી છે.
આ પહેલાં ૨૭ ઓગસ્ટે ૧.૦૮ કરોડ ડોઝ લગાડવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ૬૫.૨૬ કરોડથી વધુ વેક્સિન લગાડવામાં આવી છે. જેમાં ૫૦.૩૧ કરોડ લોકોને વેક્સિનનો પહેલો ડોઝ લગાડવામાં આવ્યો છે. તો ૧૪.૯૪ કરોડ લોકો બંને ડોઝ લઇ ચુક્યા છે.
ઈન્દોરમાં વયસ્કોને ૧૦૦ ટકા વેક્સિન
સ્વચ્છતા, સ્માર્ટ સિટી, વોટર પ્લસ, વેક્સિનેશન મહાભિયાનમાં રેકોર્ડ બનાવનારા ઈન્દોરમાં ૧૦૦ ટકા વયસ્ક વસતીને પહેલો ડોઝ લગાડવામાં આવ્યો છે. આ મામલે ૧૦ લાખની વસતીવાળા જિલ્લામાં ઈન્દોર ટોપ પર છે. કલેક્ટર મનીષસિંહ મુજબ મંગળવારે પણ અહીં ટાર્ગેટથી વધુ વેક્સિનેશન કરવામાં આવ્યા.
ગુજરાતમાં ૮ લાખથી વધુ ડોઝ
ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલય તરફથી જાણકારી આપવામાં આવી છે કે રાજ્યમાં મંગળવારે આઠ લાખથી વધુ વેક્સિનના ડોઝ લગાડવામાં આવ્યા છે. આ સાથે જ ગુજરાતમાં માત્ર ઓગસ્ટ મહિનામાં કુલ ૧ કરોડ ૩૪ લાખ વેક્સિન ડોઝ લગાડવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યને ૪.૬૨ કરોડ વેક્સિન ડોઝ સરકાર પાસેથી મળ્યા છે.
એક દિવસમાં ૧.૨૫ કરોડ ડોઝનો ટાર્ગેટ
શુક્રવારે દેશમાં એક કરોડથી વધુ વેક્સિન ડોઝ લગાડવામાં આવ્યા હતા. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (હૂ)ના પ્રમુખ સાયન્ટિસ્ટ ડો. સૌમ્યા સ્વામિનાથને પણ તે સમયે ભારતને અભિનંદન આપ્યા હતા. તો વેક્સિનેશન પર બનેલા નેશનલ ટેક્નિકલ એડવાઈઝરી ગ્રુપના પ્રમુખ ડો. એન. કે. અરોરાએ પણ કહ્યું હતું કે ટૂંક જ સમયમાં એક દિવસમાં ૧.૨૫ કરોડ લોકોને વેક્સિનના ડોઝ લગાડવામાં આવશે.
‘હૂ’એ આપ્યા અભિનંદન
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (હૂ)ના ચીફ સાયન્ટિસ્ટ ડો. સ્વામિનાથને ટ્વીટમાં કહ્યું હતું કે ભારતના વયસ્ક લોકોને ૫૦ ટકા વેક્સિન (ઓછામાં ઓછો એક ડોઝ) લગાડવામાં આવ્યો છે. આ અભિયાનમાં સામેલ લોકોને અભિનંદન. વેક્સિનની સાથે પબ્લિક હેલ્થ અને કોરોનાથી બચવાની રીતભાત અપનાવવાથી આપણે બધાં સુરક્ષિત રહીશું.