લંડનઃ સમય અગાઉ જન્મેલા નવજાત બાળકોને શ્વાસની તકલીફમાંથી ઉગારી જીવન બચાવતા સસ્તા ઉપકરણ ‘સાંસ’ને વિકસાવનારા ભારતીય ઈજનેર નીતેશ કુમાર જાંગીરને લંડનમાં કોમનવેલ્થ સેક્રેટરી જનરલનો વર્ષ ૨૦૧૯ માટે ‘ઈનોવેશન ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એવોર્ડ’ એનાયત કરાયો હતો.
નીતેશ કુમાર દ્વારા વિકસાવાયેલું સાધન ‘સાંસ’ આ ક્ષેત્રના અન્ય કોઈ પણ સાધનની સરખામણીએ ત્રણ ગણું સસ્તું છે અને ભારતના નાના ગામ-નગરોમાં અધૂરા સમયે જન્મેલાં અને રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સીન્ડ્રોમથી પીડાતાં અનેક નવજાત બાળકોની જિંદગીઓ બચાવી છે. સમગ્ર ભારતમાં નવજાત બાળકો માટે ICU સુવિધા ન હોય તેવી જિલ્લાસ્તરની હોસ્પિટલોમાં આ સાધન ત્રણ મહિનાથી ફરતું રહ્યું છે.
કોમનવેલ્થના ૫૩ સભ્ય દેશના અન્ય ૧૪ એવોર્ડવિજેતાઓ સાથે બેંગ્લોરસ્થિત ઈજનેર જાંગીરને ‘પીપલ’ કેટેગરીમાં આ એવોર્ડ મળ્યો હતો. જાંગીર ઈમર્જન્સી અને ક્રિટિકલ કેરના ક્ષેત્રમાં જિંદગીઓ બચાવવાના લક્ષ્ય સાથે સ્થાપિત તબીબી સાધન કંપની ‘Coeo Labs’ના સહસ્થાપક છે.