નવી દિલ્હીઃ એક દુઃખદ ટ્રેન દુર્ઘટનામાં બન્ને હાથ ગુમાવનાર દિલ્હીનો એક પેઇન્ટર હવે ફરીથી પોતાનું બ્રશ પકડી શકશે. તેનું સંપૂર્ણ શ્રેય દિલ્હીના ડોક્ટરોના જૂથની સર્જિકલ એક્સલન્સ અને એક મહિલાના અંગદાન કરવાના સંકલ્પને આપવું રહ્યું. મહિલાના અંગદાનથી ચાર જિંદગીઓમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. 45 વર્ષના વ્યક્તિ પ્રથમ સફળ બાઇલેટ્રલ હેન્ડ ટ્રાન્સપ્લાન્ટનું ઉદાહરણ છે, જેને હવે સર ગંગારામ હોસ્પિટલમાંથી રજા પણ મળી જશે. 2020માં એક ટ્રેન દુર્ઘટનામાં આ પેઈન્ટરે તેના બન્ને હાથ ગુમાવી દીધા હતાં. એક વંચિત બેકગ્રાઉન્ડમાંથી આવતો હોવાના કારણે તેની પાસે જીવનમાં કોઈ આશા પણ બચી ન હતી. પણ કહે છે ને કે ચમત્કાર હજુ પણ બને છે.
મીના મહેતાના અંગદાને 4 વ્યક્તિના જીવન બદલ્યાં
દક્ષિણ દિલ્હીની એક મુખ્ય શાળાનાં ભૂતપૂર્વ એડમિનિસ્ટ્રેટિવ વડા વાસ્તવમાં મીના મહેતાને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતાં. મીના મહેતાએ મૃત્યુ બાદ પોતાના ઓર્ગન્સ ડોનેટ કરવાના શપથ લીધા હતાં. મહેતાની કિડની, લિવર અને કોર્નિયાએ ત્રણ અન્ય લોકોના જીવન બચાવ્યા હતાં અને જીવનમાં નવો રંગ પૂર્યો હતો. તેની સાથોસાથ તેમના હાથોએ પેઇન્ટરના સપનાને ફરીથી નવી હવા આપી હતી, કે જે હાથ ગુમાવવાના કારણે અસહાય અનુભવ કરતો હતો.
12 કલાકનો સમય લાગ્યો હતો
ડોક્ટરોએ સર્જરીને સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. આ સર્જરી પૂર્ણ કરવામાં 12 કલાક કરતાં વધારે સમય લાગ્યો હતો. આ ઓપરેશન દરમિયાન આર્ટરી, મસલ્સ, ટેન્ડન અને નર્વને ડોનર તથા પીડિતના હાથ સાથે જોડવામાં આવ્યા હતાં. જો કે આ મહેનત આખરે રંગ લાવી અને આખરે ડોક્ટરોની ટીમે પેન્ટર સાથે સમૂહ ફોટો ખેંચાવડાવ્યો જેમાં તેણે પોતાના બન્ને હાથ ઉપર રાખ્યા હતાં.